Monday, February 2, 2026
Homeગુજરાતમોરબીમાં ગુંજશે રાષ્ટ્રભક્તિનો નાદ: કન્યા છાત્રાલયના આંગણે ‘સરદાર કથા’નું ભવ્ય આયોજન

મોરબીમાં ગુંજશે રાષ્ટ્રભક્તિનો નાદ: કન્યા છાત્રાલયના આંગણે ‘સરદાર કથા’નું ભવ્ય આયોજન

સામાન્ય રીતે આપણે ધાર્મિક કથાઓ જેવી કે રામકથા કે ભાગવત કથાનું શ્રવણ કરતા હોઈએ છીએ, પરંતુ મોરબીના આંગણે એક ક્રાંતિકારી અને અનોખી પહેલ થવા જઈ રહી છે. અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન પર આધારિત “સરદાર કથા” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

​નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ત્રિદિવસીય રાષ્ટ્ર યજ્ઞ આગામી તારીખ ૫, ૬ અને ૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મોરબીના કન્યા છાત્રાલય ખાતે યોજાશે. કથાનો સમય રાત્રે ૯ થી ૧૨ કલાકનો રહેશે.

​આ કથાના વક્તા તરીકે જાણીતા પ્રેરક વક્તા અને ભૂતપૂર્વ ક્લાસ ૧ અધિકારી શૈલેષ સગપરિયા પોતાની અસ્ખલિત વાણીમાં સરદાર સાહેબના જીવન પ્રસંગો રજૂ કરશે. તેમના માધ્યમથી લોકોને સરદાર પટેલના અદભૂત જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત થશે.

​આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને સરદાર સાહેબના દ્રઢ મનોબળ, ત્યાગ અને રાષ્ટ્રનિર્માણના કાર્યોથી પરિચિત કરાવવાનો છે. આ કથામાં કોઈ ચમત્કારની વાતો નહીં, પરંતુ સરદાર સાહેબના લોખંડી પુરુષાર્થ અને એકતાના મંત્રની વાતો કરવામાં આવશે. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય એકતા માટે સમાજમાં નવી ચેતના જગાડવાનો આ એક નમ્ર પ્રયાસ છે.

​આ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન શ્રી નિર્શિવ ફાઉન્ડેશન, શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ તથા ગોપાલભાઈ ચમારડી દ્વારા કરવામાં આવ્યું છે. આ આયોજન માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ રાષ્ટ્રવંદનાનો એક અવસર છે. આ ‘સરદાર કથા’નો લાભ લેવા માટે મોરબીની રાષ્ટ્રપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular