સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. અમરોલી મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક સીટી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે આખી બસને લપેટમાં લઈ લેતા આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, જ્યારે બસ અમરોલીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બસ ઉભી રાખી દીધી હતી. બસમાં સવાર 15 થી 20 જેટલા મુસાફરો જીવ બચાવવા તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા, જેના કારણે મોટી હોનારત ટળી હતી.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગ અને તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
