મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સંઘપુર ખાતે ખાણ અને ખનીજ વિભાગના ત્રણ સુપરવાઈઝર ઉપર હુમલાની ઘટના સામે આવી છે. ગેરકાયદે ખનન અંગે તપાસ માટે ખાનગી ઇકો કાર લઈને ગયેલી ટીમ પર સ્થાનિક તત્વોએ હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, ખાણ અને ખનીજ વિભાગની ટીમ સાબરમતી નદી વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનનની તપાસ માટે પહોંચી હતી. તપાસ દરમિયાન અચાનક કેટલાક લોકોએ ટીમને અટકાવી ઇકો કારમાં તોડફોડ કરી હતી અને સુપરવાઈઝરોને માર માર્યો હતો.
હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા ત્રણેય સુપરવાઈઝરને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
આ ઘટનાને લઈને ખાણ અને ખનીજ વિભાગના કર્મચારીઓમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.
