Monday, February 2, 2026
Homeગુજરાતમોરબી ભાજપમાં ખળભળાટ: કરોડોના દેવામાં ડૂબેલા 'દિગ્ગજ' નેતાએ હોદ્દાને બનાવ્યું હથિયાર? લેણદારોને...

મોરબી ભાજપમાં ખળભળાટ: કરોડોના દેવામાં ડૂબેલા ‘દિગ્ગજ’ નેતાએ હોદ્દાને બનાવ્યું હથિયાર? લેણદારોને પોલીસનો ડર બતાવી વિદેશ ભાગવાની ફિરાકમાં!

શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં મોરબીના એક કહેવાતા ‘દિગ્ગજ’ નેતાના કરતૂતોને કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. ચર્ચાઈ રહ્યું છે કે, ભૂતકાળમાં લોકો પાસેથી કરોડો રૂપિયા હાથ ઉછીના અથવા વ્યાજે લીધા બાદ, હવે તે પરત ન આપવા પડે તે માટે નેતાજીએ સત્તા અને હોદ્દાનો આશરો લીધો છે. એટલું જ નહીં, જો પક્ષમાં ફેરબદલ થાય તો તાત્કાલિક વિદેશ ફરાર થઈ જવાની પેરવી પણ ચાલી રહી હોવાની ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે.

સત્તાનો દુરુપયોગ અને લેણદારોને ધમકી
વિગતો મુજબ, આ નેતાએ અગાઉ પોતાના અંગત કામો માટે અનેક લોકો પાસેથી મોટી રકમો લીધી હતી. આ રકમ પાછી ન આપવી પડે તે હેતુથી તેમણે ભાજપમાં મોટો ‘વહીવટ’ કરીને મહત્વનો હોદ્દો મેળવી લીધો હોવાની ચર્ચા છે. હવે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના રૂપિયા પરત માંગવા જાય છે, ત્યારે નેતાજી પોતાના પદનો દુરુપયોગ કરી પોલીસનો ડર બતાવી રહ્યા છે. પોલીસ તંત્રનો ઉપયોગ કરી લેણદારોને હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાનો ગણગણાટ મોરબીના બજારોમાં જોરશોરથી ચાલી રહ્યો છે.

હાઈકમાન્ડની ‘ક્લીનઅપ’ ડ્રાઈવથી નેતાજીમાં ફફડાટ
હાલમાં ભાજપના મોવડી મંડળ દ્વારા વિવાદિત અને ડાઘી છબી ધરાવતા નેતાઓને પક્ષમાંથી દૂર કરી, સ્વચ્છ પ્રતિભા ધરાવતા લોકોને સ્થાન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમાચાર મળતા જ ‘કરજદારી’માં ડૂબેલા નેતાના હોશ ઉડી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો સત્તા હાથમાંથી જાય તો લેણદારો અને કાયદાના સકંજામાંથી બચવા માટે નેતાજીએ વિદેશ ભાગવાની તૈયારીઓ પણ કરી લીધી છે.

શું મોરબીમાં વધુ એક ‘આર્થિક કૌભાંડી’ વિદેશ પલાયન થશે?
રાજકીય પંડિતોનું માનવું છે કે જો આગામી દિવસોમાં સંગઠન કે સત્તામાં ફેરફાર આવશે, તો આ ‘કરોડપતિ’ નેતા તાત્કાલિક દેશ છોડીને ફરાર થઈ શકે છે. લોકોમાં હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે શું પક્ષના મોવડી મંડળ આ મામલે તપાસ કરશે? શું સામાન્ય લોકોના ડૂબેલા નાણાં પરત મળશે કે પછી આ નેતા પણ વિદેશમાં જઈને આરામની જિંદગી જીવશે?

મોરબીની જનતામાં હાલ આ ‘સત્તાધારી લેણદાર’ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સૌની નજર હવે ભાજપના આગામી નિર્ણય પર ટકેલી છે.

RELATED ARTICLES

Most Popular