મોરબી: મોરબી જિલ્લામાં દારૂબંધીના કાયદાનો જાહેરમાં ભંગ થતો હોવા છતાં પોલીસની કામગીરી પર હંમેશા સવાલ ઉભા થાય છે. ત્યારે, રાજપર ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ પર પાડવામાં આવેલા દરોડા બાદ જે રીતે સમગ્ર મામલો થાળે પાડી દેવાયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, તેણે જિલ્લા પોલીસ તંત્ર પર અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે.નવા વર્ષની પાર્ટીમાં ભંગ, પછી ‘વહીવટ’નો ખેલ?પ્રાપ્ત માહિતી અનુસાર, નવા વર્ષ નિમિત્તે રાજપર નજીકના એક ફાર્મ હાઉસમાં બેંકના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ૩૫ જેટલા હાઈપ્રોફાઈલ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ પાર્ટી પર પોલીસના ચાર જેટલા અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આટલી મોટી સંખ્યામાં પકડાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવાને બદલે, સમગ્ર મામલો રહસ્યમય રીતે ‘પતાવી’ દેવામાં આવ્યો હોવાની વાતો વહેતી થઈ છે.જિલ્લા પોલીસ વડાને અંધારામાં રાખી ‘કળા’?સૌથી ગંભીર બાબત તો એ છે કે, આટલી મોટી રેડ અને તેમાં પકડાયેલા હાઈપ્રોફાઈલ લોકોની જાણ જિલ્લા પોલીસ વડાને પણ કરવામાં આવી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો આ માહિતી સાચી હોય, તો સ્પષ્ટ થાય છે કે નીચેના સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોલીસવડાને અંધારામાં રાખીને કોઈ મોટો ‘વહીવટ’ પાર પાડવામાં આવ્યો છે.કરોડોના સેટિંગની આશંકા: કોણ કરે છે કમાણી?મોરબી જિલ્લામાં બેફામ રીતે ચાલતા દારૂના અડ્ડાઓ અને દારૂની મહેફિલો પાછળ પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો હાથ હોવાની લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. રાજપરની આ ઘટનાએ આ ચર્ચાઓને વધુ બળ પૂરું પાડ્યું છે. લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે:આટલી મોટી પાર્ટીને પતાવવા માટે કેટલા કરોડનો ‘વહીવટ’ થયો?જિલ્લા પોલીસ વડાને જાણ ન થાય તે રીતે આ કળા કોણે કરી?દારૂબંધીના કાયદાના અમલદારો જ જો આ રીતે ‘સેટિંગ’ કરતા હોય, તો સામાન્ય જનતા કોના પર ભરોસો મૂકે?રાજકીય અને સામાજિક વર્તુળોમાં ગરમાવોઆ ઘટનાએ મોરબીના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે. પ્રજાના પૈસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા પોલીસકર્મીઓ જ જો આ રીતે ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય, તો તે અત્યંત ચિંતાજનક બાબત છે. સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.
