Monday, February 2, 2026
Homeગુજરાતરાજપર ફાર્મહાઉસ કાંડ: દારૂ, દબાણ અને ડીલ! પોલીસની હાજરી છતાં કાર્યવાહી શૂન્ય

રાજપર ફાર્મહાઉસ કાંડ: દારૂ, દબાણ અને ડીલ! પોલીસની હાજરી છતાં કાર્યવાહી શૂન્ય

મોરબીના રાજપર ગામ નજીક બે દિવસ અગાઉ યોજાયેલી દારૂની મહેફિલ હવે માત્ર એક પાર્ટી નહીં પરંતુ એક મોટો કાળો ખેલ બનીને સામે આવી છે. થર્ટી ફર્સ્ટના નામે એચડીએફસી બેન્કના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફાર્મહાઉસમાં દારૂની ગેરકાયદેસર મહેફિલ યોજાઈ હતી, જેમાં ખુલ્લેઆમ કાયદાનો ભંગ થયો હોવા છતાં પોલીસ કાર્યવાહી માત્ર દેખાડુ પૂરતી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.

ખાનગી બાતમીના આધારે પોલીસના ચાર કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તપાસના નામે માત્ર નાટક કરીને પોલીસ ત્યાંથી પરત ફરી ગઈ. આ દરમ્યાન લાખો રૂપિયાનું “તોડ” થયું હોવાની ચર્ચા ઉદ્યોગપતિઓથી લઈ સામાન્ય જનતા સુધી ફેલાઈ ગઈ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ તોડ કોણે લીધો અને કોના ઈશારે લેવાયો તે બાબતે હજુ સુધી ઉચ્ચ અધિકારીઓ પણ અંધારામાં છે.

આ સમગ્ર કૃત્ય પાછળ “ચંડાળ ટોળકી” સક્રિય હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રો મુજબ જો આ ટોળકીના કોલ ડિટેલ્સ અને નાણાકીય લેવડદેવડની ગંભીર તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. આ ટોળકી અગાઉ પણ આ જ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાનું અને પોતાને બચાવવા માટે એક પ્રભાવશાળી અધિકારીને પણ સાથે રાખતી હોવાની માહિતી બહાર આવી રહી છે.

ફાર્મહાઉસમાં હાજર અધિકારીઓ અને કર્મચારીઓ કારોમાં, રૂમોમાં તેમજ છત પર બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. સીસીટીવી કેમેરાની પહોંચ બહારની જગ્યાઓ પસંદ કરીને આ મહેફિલ યોજાઈ હતી, જેથી પુરાવા ન મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. પોલીસ સ્થળ છોડ્યા બાદ કેટલાક લોકો ફરી ફાર્મહાઉસમાં ગયા હોવાનું અને રૂમની છત પર બબાઈટિંગના નિશાન મળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પોલીસ દ્વારા સ્થળ પર કોઈ રકમ હાથમાં લેવાઈ ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ કહેવાતા એક આગેવાનને સમગ્ર મામલો સોંપીને પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી. હવે જ્યારે આ સમગ્ર પ્રકરણ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યું છે, ત્યારે તોડની રકમ કઈ રીતે અને કોના માધ્યમથી લેવાઈ તેની મૂંઝવણ આ ચંડાળ ટોળકીમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

સવાલ એ ઊભો થાય છે કે જો તોડ લેવામાં આવ્યો જ ન હોય તો પછી રૂપિયા ચૂકવીને “સારું દેખાવા” માટે આટલા પ્રયાસો શા માટે? શું કોઈને બચાવવા માટે સમગ્ર મામલો દબાવવામાં આવી રહ્યો છે? હવે જો ખરેખર નિષ્પક્ષ તપાસ કરવી હોય તો આ ટોળકીના કોલ ડિટેલ્સ, બેન્ક ટ્રાન્ઝેક્શન અને પોલીસ કાર્યવાહીનો સમગ્ર રેકોર્ડ ખંગાળવો અનિવાર્ય બની ગયો છે. નહીંતર મોરબીમાં કાયદા પરનો વિશ્વાસ ગંભીર રીતે ડગમગી જશે.

RELATED ARTICLES

Most Popular