Monday, February 2, 2026
Homeગુજરાત‘તમને રોકવાની સત્તા કોણે આપી?’ મોરબીમાં નેતાના શબ્દોએ સવાલ ઊભા કર્યા

‘તમને રોકવાની સત્તા કોણે આપી?’ મોરબીમાં નેતાના શબ્દોએ સવાલ ઊભા કર્યા

મોરબીમાં ફરી એકવાર સ્પષ્ટ બન્યું છે કે કાયદો બધાં માટે સરખો છે કે પછી સત્તાવાળાઓ માટે અલગ નિયમો છે?
કારમાં ચાલુ ફોન પર જઈ રહેલા ભાજપના એક નેતાને ઉમિયા સર્કલ પાસે ટ્રાફિક જવાને રોક્યા, પરંતુ નિયમ સ્વીકારવાની જગ્યાએ નેતાજીનો બાટલો ફાટી પડ્યો.

પ્રત્યક્ષદર્શીઓ મુજબ, ટ્રાફિક જવાને કાર રોકતા જ ભાજપના આ નેતાએ ઉશ્કેરાયેલા સ્વરે કહ્યું—
“તમને મને રોકવાની સત્તા કોણે આપી?”
આ શબ્દો સાથે જ મામલો ગરમ બની ગયો અને જાહેર રસ્તા પર સત્તાનો રોફ દેખાવા લાગ્યો.

ચોંકાવનારી વાત એ છે કે આ નેતા મોરબી જિલ્લાના નથી, પરંતુ અન્ય જિલ્લામાં હોદેદાર છે અને મોરબીના એક ભાજપ ધારાસભ્ય સાથે નજીકના સંબંધો ધરાવે છે. કાયદાની સામે ઊભા રહેવાને બદલે નેતાજીએ તરત જ ધારાસભ્યને ફોન કરી દીધો.
સવાલ એ છે— શું ધારાસભ્યનો ફોન કાયદા કરતા મોટો થઈ ગયો છે?

પ્રાપ્ત માહિતી મુજબ ઉમિયા સર્કલ વિસ્તારમાં સવારના સમયે ભારે ટ્રાફિક રહેતો હોવાથી ટ્રાફિક પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે. સામાન્ય લોકો માટે નિયમોનું પાલન ફરજિયાત છે, પરંતુ સત્તાના મોહમાં રહેલા કેટલાક લોકો આજેય રસ્તા પર રોફ જમાવતા જોવા મળે છે—અને આજે તેનો જીવંત દાખલો સામે આવ્યો.

જોકે આ ઘટનામાં મોરબી ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી. ધારાસભ્યની ભલામણ હોવા છતાં પોલીસે ગાડી તુરંત એ-ડિવિઝન ખાતે લઈ જઈ ડિટેઈન કરી. નેતાજીનો રોફ એટલો વધ્યો કે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું, પરંતુ અંતે કાયદો સત્તા કરતાં ઉપર છે એ પોલીસ દ્વારા સાબિત કરવામાં આવ્યું.

આ ઘટના પછી વધુ ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે અવારનવાર આ જ ધારાસભ્ય આરોપીઓને બચાવવામાં આગળ રહેતા હોવાની ચર્ચા શહેરમાં થઈ રહી છે. પોતાના નજીકના લોકોને ખુશ રાખવા માટે ભલામણો કરવી અને કાયદાની કામગીરીમાં અડચણ ઊભી કરવી—શું આ જનપ્રતિનિધિની ભૂમિકા છે?

હવે જનતા ખુલ્લેઆમ પુછી રહી છે—
👉 શું ટ્રાફિક નિયમો ફક્ત સામાન્ય નાગરિકો માટે જ છે?
👉 નેતાઓ અને તેમના ઓળખાણવાળાઓ માટે ફોન જ કાયદો બની જાય છે?
👉 ધારાસભ્ય વારંવાર ભલામણ કરે તો પોલીસ તંત્ર પર શું સંદેશ જાય છે?
👉 અને આવું ચાલતું રહેશે તો કાયદા પર વિશ્વાસ કોણ રાખશે?

મોરબી ટ્રાફિક પોલીસે આજે ભલે કડક કાર્યવાહી કરીને કાયદાની લાજ રાખી હોય, પરંતુ સત્તાના રોફ અને ભલામણોની રાજનીતિ સામે તંત્ર કેટલો સમય ટકી શકશે—એ સૌથી મોટો પ્રશ્ન છે.

RELATED ARTICLES

Most Popular