Monday, February 2, 2026
Homeગુજરાતવહેલી સવારે એક જ સમયે અમરેલી અને વાંસદા નજીક કંપન, 24 કલાકમાં...

વહેલી સવારે એક જ સમયે અમરેલી અને વાંસદા નજીક કંપન, 24 કલાકમાં ચાર આંચકા નોંધાયા

મકર સંક્રાંતિના પાવન દિવસે ગુજરાતમાં ધરા ફરી એક વખત ધ્રુજી ઉઠી હતી. આજે વહેલી સવારે 02:23 વાગ્યે એક જ સમયે રાજ્યના બે અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના હળવા કંપન નોંધાતા લોકોમાં થોડીક ક્ષણો માટે ભયની લાગણી ફેલાઈ હતી. જોકે સદનસીબે ક્યાંય જાનમાલના નુકસાનના અહેવાલો નથી.

મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્રના અમરેલી નજીક 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 37 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ (SSW) દિશામાં હતું અને તે જમીનથી 11 કિલોમીટરની ઊંડાઈએ સર્જાયો હોવાનું સિસ્મોલોજીકલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

તે જ સમયે દક્ષિણ ગુજરાતના વાંસદા વિસ્તારમાં પણ 1.6ની તીવ્રતાનો એક અત્યંત હળવો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી 8 કિલોમીટર દક્ષિણ-પૂર્વ (SSE) દિશામાં હતું અને તેની ઊંડાઈ માત્ર 1.6 કિલોમીટર હતી. આ કંપન અત્યંત નાનું હોવાના કારણે મોટા ભાગના લોકો સુધી તેની અનુભૂતિ પહોંચી નહોતી.

આ પહેલાં, ગઈકાલે મંગળવારના રોજ પણ રાજ્યના વિવિધ ભાગોમાં ભૂકંપની હલચલ નોંધાઈ હતી. વહેલી સવારે 03:05 વાગ્યે કચ્છના ઐતિહાસિક સ્થળ ધોળાવીરાથી 41 કિલોમીટર ઉત્તર-પૂર્વ (NNE) દિશામાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

તે ઉપરાંત, સવારે 09:58 વાગ્યે પોરબંદરથી અંદાજે 46 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં પણ 2.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. બંને આંચકા હળવા હોવાથી કોઈ નુકસાનના અહેવાલો સામે આવ્યા નથી.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના જુદા જુદા સિસ્મિક ઝોનમાં કુલ ચાર હળવા ભૂકંપ નોંધાતા ધરા ફરીથી સક્રિય બનતી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ભૂકંપ નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલના આંચકા નાની તીવ્રતાના છે, પરંતુ સિસ્મિક ઝોનમાં સતત થતી હલચલ પર નજર રાખવી જરૂરી છે.

RELATED ARTICLES

Most Popular