છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલા ભાજપના પ્રમુખ જયંતિ રાજકોટિયાના નિવેદન બાદ હવે ભાજપની અંદર જ ભારે અસંતોષ અને ભડકો જોવા મળી રહ્યો છે. આર્થિક લેવડદેવડને લઈને જયંતિ રાજકોટિયાએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે તેમને લગભગ ૩૫૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે, અને અલગ-અલગ રીતે ચૂકવણી કરવામાં આવી રહી હોવાના દાવાઓ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે.
ઉઘરાણી માટે છેલ્લા ઘણા સમયથી બે મહિલાઓ સતત જયંતિ રાજકોટિયાની ઓફિસ અને નિવાસસ્થાને પહોંચતી હતી. આ મહિલાઓ દ્વારા અગાઉ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા. આ મહિલાઓના નજીકના સગા, જે વર્ષોથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છે, તેમણે ઉઘરાણી બાબતે સીધી રીતે ભાજપ પ્રમુખને મળીને વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ ચર્ચા શરૂ થતાની સાથે જ પ્રમુખ જયંતિ રાજકોટિયા લાલઘૂમ થઈ ગયા અને કાર્યકર્તાને ધક્કા-મુક્કી કરીને અપમાનિત કર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. એટલું જ નહીં, વાતચીતથી સંતોષ ન થતા આખરે આ કાર્યકર્તાને પોલીસના હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.
કાર્યકર્તા ત્યાંથી પોતાના ઘરે પરત ફર્યા બાદ થોડા જ સમય માં મોરબી એ-ડિવિઝન પોલીસ તરફથી ફોન આવી તેમને તાત્કાલિક પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે જયંતિ રાજકોટિયાના પરિવારજને પોલીસમાં અરજી આપી હોવાના આધાર પર પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.
પરંતુ મામલો ત્યાં જ અટકી ગયો જ્યારે ભાજપના જ મોટા નેતાઓ, ધારાસભ્યો અને દિગ્ગજ આગેવાનોના ફોન પોલીસ સ્ટેશન પર આવવા લાગ્યા. “તાત્કાલિક તેમને છોડી દેવામાં આવશે” એવી ખાતરીઓ આપવામાં આવી અને મીડિયામાં વાત ન ફેલાય તે માટે ભારે દબાણ સર્જાયું હોવાનું સૂત્રો જણાવે છે. આખરે મામલો માંડ માંડ કરીને શાંત પડ્યો.
અહીં સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એ છે કે —
જો મોટાભાગના લોકોને પૈસા પરત આપી દેવામાં આવ્યા છે, તો આજે પણ મહિલાઓ કેમ ઉઘરાણી માટે દરવાજા ખખડાવી રહી છે?
જો હિસાબ પૂર્ણ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, તો પછી આ મહિલાઓને હેરાન કરવાની જરૂર શું હતી?
અને સૌથી ગંભીર બાબત —
ભાજપના વર્ષોથી જોડાયેલા કાર્યકર્તા જો ન્યાય માટે વાત કરવા જાય, તો તેમને પોલીસના હવાલે કરવાની હિંમત ક્યાંથી આવે છે?
શું ભાજપ પ્રમુખ માટે કાયદો અલગ છે?
શું પોલીસ માત્ર અરજદારના નામ અને હોદ્દા જોઈને કાર્યવાહી કરે છે?
અને શું ભાજપના નેતાઓ પોલીસ પર દબાણ કરીને પોતાના લોકોને બચાવવાની રાજનીતિ કરી રહ્યા છે?
એક તરફ પાર્ટી શિસ્ત, પારદર્શિતા અને નૈતિકતાની વાતો કરે છે, અને બીજી તરફ પોતાના જ કાર્યકર્તાઓ સાથે આવું વર્તન — આ ભાજપની અંદરની સત્તાની હકીકત ખુલ્લી પાડતું નથી શું?
હકીકત જે પણ હોય, પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ મહિલાઓને આજ સુધી તેમની મૂડી પરત મળી નથી, અને જ્યારે તેમના સગાઓ ન્યાય માગવા જાય છે ત્યારે તેમને પોલીસનો ડર બતાવવામાં આવે છે.
આ સમગ્ર ઘટનાએ ભાજપની આંતરિક સ્થિતિ, સત્તાનો દુરુપયોગ અને પોલીસની ભૂમિકાને લઈને ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.
