Monday, February 2, 2026
Homeગુજરાતમોરબીરન ઓછા પડ્યા, ઉત્સાહ નહીં : પત્રકાર–પોલીસ મેચ બની સૌ માટે યાદગાર

રન ઓછા પડ્યા, ઉત્સાહ નહીં : પત્રકાર–પોલીસ મેચ બની સૌ માટે યાદગાર

મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલી પોલીસ પ્રીમિયર લીગ અંતર્ગત ગઈકાલે એક ખાસ અને યાદગાર ફ્રેન્ડલી ક્રિકેટ મેચ યોજાઈ હતી. આ મેચમાં મોરબી જિલ્લા પોલીસ ઇલેવન અને પત્રકાર ઇલેવન આમને-સામને આવી હતી, જ્યાં જીત કરતાં વધુ રમતિયાળ ભાવના અને મિત્રતાનો ઉમંગ જોવા મળ્યો હતો.

મેચમાં ટોસ જીતીને પત્રકાર ઇલેવને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસ ઇલેવન તરફથી ડીવાયએસપી વિરલ દલવાડી, એલસીબી પીઆઈ મયંક પંડ્યા, વાંકાનેર સિટી પીઆઈ હુકમતસિંહ જાડેજા, પીઆઈ એસ.એમ. ચૌહાણ સહિતના અનુભવી ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. તેમ છતાં પત્રકારોની ટીમે શાનદાર બોલિંગ અને ફીલ્ડિંગનું પ્રદર્શન કરી પોલીસ ઇલેવનને 106 રન સુધી મર્યાદિત રાખી હતી.

જવાબમાં પત્રકાર ઇલેવન બેટિંગ માટે ઉતરી હતી અને આખી ટીમે ઉત્સાહભેર રમત રમી હતી. અંતે પત્રકારોની ટીમ 86 રન સુધી પહોંચી શકી હતી અને મેચ 20 રનથી હારી હતી, પરંતુ રમતિયાળ ભાવના, ઉત્સાહ અને ખેલદિલીથી પત્રકારોએ પોલીસ અધિકારીઓ તથા દર્શકોના દિલ જીતી લીધા હતા.

આ ફ્રેન્ડલી મેચમાં પત્રકાર ઇલેવન તરફથી હિમાંશુ ભટ્ટ, રવિ મોટવાણી, અંકિત પટેલ, યોગેશ રંગપડીયા, કિશન પરમાર, ધવલ ત્રિવેદી, રાહુલ નગવાડીયા, જીગ્નેશ ભટ્ટ, મિલન નાનક, પાર્થ પટેલ, રવિ સાણંદિયા, હરનીશ જોશી, મેહુલ ગઢવી, વિશાલ ટુંડીયા, પંકજ સનારીયા તેમજ વડીલ પ્રવીણભાઈ વ્યાસ (દાદા) ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ ઉલ્લેખનીય બાબત એ રહી કે પત્રકાર ઇલેવનના ઘણા ખેલાડીઓએ વર્ષો બાદ બેટ અને બોલ હાથમાં લીધા હતા, છતાં પણ બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં તેમણે નોંધપાત્ર અને પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. પત્રકારોની આ રમતિયાળ ભાવનાને જોઈ પોલીસ અધિકારીઓએ પણ ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી.

આ ફ્રેન્ડલી મેચ માત્ર ક્રિકેટ પૂરતી સીમિત ન રહી, પરંતુ પોલીસ અને પત્રકારો વચ્ચે સહકાર, મિત્રતા અને સકારાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવતી યાદગાર ઘટના બની હતી.

RELATED ARTICLES

Most Popular