વડોદરામાં નેશનલ હાઇવે 48 પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કરજણ તાલુકાના ધાવટ ચોકડી પાસે આવેલા પુલ પર આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.
ઔરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી લક્ઝરી બસ રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર અનેક મુસાફરો ફસાઈ ગયા હતા.
માહિતી મળતા જ કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દોઢ કલાકની ભારે મહેનત બાદ બસમાં ફસાયેલા 25થી વધુ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા આશરે 10 જેટલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દુર્ઘટનામાં બે મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ હાઇવે પર થોડો સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણો જાણવા પ્રયત્ન કરી રહી છે.
