સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાતા જોવા મળ્યા છે.
વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તેજ પવનના કારણે દિવસ દરમિયાન પણ વાતાવરણ ઠંડુ બન્યું છે. અચાનક બદલાયેલા માહોલથી જનજીવન પર અસર પડી છે.
આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણને લઈ ખેતી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.
હવામાનમાં થયેલા અચાનક ફેરફારને કારણે લોકો ગરમ કપડાં પહેરવા મજબૂર બન્યા છે. આગામી દિવસોમાં વાતાવરણ કેવો વળાંક લે છે તે બાબતે લોકો અને ખેડૂતો બંનેની નજર આકાશ તરફ છે.
