મોરબી શહેરમાં રાત્રિ પેટ્રોલિંગના નામે દબાણ અને વસૂલાત ચાલે છે? વેપારીઓના દાવાથી પોલીસ તંત્ર ફરી વિવાદના વંટોળમાં
મોરબી શહેરમાં A ડિવિઝન પોલીસ સ્ટેશન સંકળાયેલા પેટ્રોલિંગ વાહન અને મેદાનમાં ફરજ બજાવતા એક GRD જવાનની કામગીરીને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક વેપારીઓના દાવા મુજબ રાત્રિના સમયે પેટ્રોલિંગ ગાડી વિવિધ વિસ્તારોમાં ઉભી રહી દુકાનદારો પાસેથી સિગરેટ, માવા અને અન્ય વસ્તુઓ માંગવામાં આવે છે, અને ઇનકાર કરનારાઓને દબાણનો સામનો કરવો પડે છે.
વેપારીઓ કહે છે કે “પેટ્રોલિંગ” નામે આવતી ગાડીમાંથી એક વ્યક્તિ ઉતરી નિયમિત રીતે માંગણીઓ કરે છે. પ્રશ્ન એ ઊભો થયો છે કે શું આ બાબતથી ઉચ્ચ અધિકારીઓ અજાણ છે કે પછી જાણ હોવા છતાં કાર્યવાહી થતી નથી? રજૂઆત બાદ પણ પરિસ્થિતિ યથાવત રહેતા વેપારીઓમાં ભય અને રોષ બંને જોવા મળે છે.
કેટલાક વેપારીઓનો દાવો છે કે ફરિયાદ કરનારાઓને બાદમાં વધુ ચેકિંગ, દબાણ અને રાત્રે દુકાન બંધ કરાવવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. જેના કારણે ઘણા વેપારીઓ ખુલ્લેઆમ આગળ આવવા તૈયાર નથી.
આક્ષેપો એ પણ ઉઠ્યા છે કે પોલીસના અધિકારીક વાહનનો ઉપયોગ અને તેમાં GRD જવાનની ભૂમિકા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા છે કે નહીં? અને જો છે તો તેનું પાલન થાય છે કે નહીં? તંત્રની આંતરિક દેખરેખ વ્યવસ્થા પર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.
શહેરના વેપારી વર્ગ દ્વારા માંગ ઉઠી છે કે મામલે GPS લોગ, ડ્યૂટી ચાર્ટ અને પેટ્રોલિંગ રેકોર્ડની તપાસ સાથે નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે. દોષિત સાબિત થાય તો કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ પણ તેજ બની છે.
આ મુદ્દે સંબંધિત પોલીસ અધિકારીઓનો સત્તાવાર પ્રતિસાદ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. પ્રતિભાવ મળ્યા બાદ વધુ વિગતો બહાર આવશે.
