Homeગુજરાતમોરબીના ભવિષ્યના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રિષિપભાઈ કૈલાની મહત્વપૂર્ણ રજૂઆત

મોરબીના ભવિષ્યના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રિષિપભાઈ કૈલાની મહત્વપૂર્ણ રજૂઆત

મોરબી: મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રિષિપભાઈ કૈલા દ્વારા શહેરના સુમેળભર્યા વિકાસ, મનોરંજનની સુવિધાઓ અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય નગર નિયોજક, મોરબી મ્યુનિસિપલ કમિશનર તેમજ રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાને પત્ર પાઠવી શહેરના ભવિષ્યના આયોજન અંગે વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા છે.


તળાવનું બ્યુટિફિકેશન કરી રાજકોટના રેસકોર્સ જેવો મનોરંજન પોઇન્ટ બનાવવાની દરખાસ્ત:
શક્ત શનાળા તરફથી ધુનડા જતા રોડ પર અમર સોલાર પાસે આવેલા શિવમ બંગલાની સામે સરકારી ખરાબાની જમીનના સર્વે નંબર 177 અને 230માં આવેલા તળાવના સુંદર બ્યુટિફિકેશન માટે દરખાસ્ત કરવામાં આવી છે. તળાવની આસપાસ ઉપલબ્ધ વિશાળ પડતર જમીનનો યોગ્ય ઉપયોગ કરી રાજકોટના રેસકોર્સની માફક સુવિધાયુક્ત મનોરંજન પોઇન્ટ વિકસાવવાનો વિચાર રજૂ કરાયો છે.
આ સ્થળને મોરબી-રાજકોટ રોડ, રવાપર રોડ, એસ.પી. રોડ, કેનાલ અને અવની રોડ સાથે સારી કનેક્ટિવિટી મળતી હોવાથી ભવિષ્યમાં અહીં ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.


મેડિકલ કોલેજ-હોસ્પિટલને ધ્યાનમાં રાખી ટ્રાફિક પ્લાનિંગની માંગ:
શક્ત શનાળા ગામની સરકારી ખરાબાની જમીનમાં મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવે પર અદ્યતન મેડિકલ કોલેજ, નવી સરકારી હોસ્પિટલ તેમજ જિલ્લા કક્ષાની કોર્ટોના બાંધકામને ધ્યાનમાં રાખીને રોડ અલાઈનમેન્ટનું વિશિષ્ટ અને મજબૂત આયોજન કરવા સૂચન કરાયું છે.
હોસ્પિટલ શરૂ થયા બાદ મોરબી-રાજકોટ રોડ પર 24 કલાક એમ્બ્યુલન્સની અવરજવર વધવાની શક્યતા હોવાથી દર્દીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ રોડ અને ટ્રાફિકનું આયોજન જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.


વિવિધ વિસ્તારોમાં ઝોનિંગ ઓફિસ અને ફાયર સ્ટેશનની માંગ:
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રવાપર રોડ, બાયપાસ રોડ, મહેન્દ્રનગર-સર્કિટ હાઉસ વિસ્તાર અને શક્ત શનાળા સહિતના વિસ્તારોમાં અલગ-અલગ ઝોનિંગ ઓફિસ તથા ફાયર સ્ટેશન જેવી આવશ્યક સેવાઓ ઊભી કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
આ પ્રકારના વિકેન્દ્રિત આયોજનથી નાગરિકોને વહીવટી સેવાઓ માટે શહેરના એક જ વિસ્તારમાં આવવું ન પડે તેમજ ભવિષ્યમાં વધતી વસ્તી અને વાહનવ્યવહારને કારણે સર્જાઈ શકે તેવી ટ્રાફિક સમસ્યાને પણ નિયંત્રિત કરી શકાય તેવી રજૂઆત કરવામાં આવી છે.


મોરબીના આગામી વર્ષોના વિકાસને ધ્યાનમાં રાખી આયોજન જરૂરી
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રિષિપભાઈ કૈલાની રજૂઆતોનો મુખ્ય ઉદ્દેશ મોરબીના હાલના વિકાસ સાથે આગામી વર્ષોમાં વધનારી વસ્તી, વાહનવ્યવહાર, આરોગ્ય સુવિધાઓ અને મનોરંજનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સુઆયોજિત માળખું ઊભું કરવાનો હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular