મોરબી તાલુકા પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિ સામે એકસાથે ત્રણ અલગ-અલગ સ્થળે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ટીમોએ રંગપર ગામની સીમ, લક્ષ્મીનગર ગામના કોળી વાસ વિસ્તાર અને બરવાળા ગામમાં દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા કુલ 17 શખ્સોને ઝડપી પાડ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી જિલ્લા પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ત્રણેય સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી.
રંગપર ગામની સીમમાં 10 શખ્સો ઝડપાયા
રંગપર ગામની સીમમાં રણપરથી જીવાપર જવાના રસ્તે ધનશ્યામસિંહ સજ્જનસિંહ ઝાલા/દરબારની વાડીની ઓરડીમાં જાહેરમાં જુગાર રમતા 10 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ. 1,22,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
લક્ષ્મીનગરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર
લક્ષ્મીનગર ગામના કોળી વાસ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બરવાળા ગામમાં ખુલ્લી શેરીમાં જુગાર રમતા 3 ઝડપાયા
બરવાળા ગામમાં દુર્ગેશભાઈ દેવવાણીયાના મકાનની દિવાલની બાજુમાં ખુલ્લી શેરીમાં પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ સહિત કુલ રૂ. 44,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
કુલ 17 શખ્સો સામે કાર્યવાહી
આમ, મોરબી તાલુકા પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ 17 આરોપીઓને ઝડપી જુગારના ત્રણ અલગ કેસમાં કાર્યવાહી કરી છે. પોલીસે રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગાર રમતા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની આ કાર્યવાહીથી મોરબી તાલુકામાં જાહેરમાં ચાલતી જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહીનો સંદેશ ગયો છે.
