Homeગુજરાતમોરબીમાં ‘ઓપરેશન PASA’! 11 ગુનેગારો સામે કડક કાર્યવાહી

મોરબીમાં ‘ઓપરેશન PASA’! 11 ગુનેગારો સામે કડક કાર્યવાહી

મોરબી જિલ્લામાં પાસા હેઠળ 11 ગુનેગારો સામે કડક કાર્યવાહી

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે માટે જૂન અને જુલાઈ માસ દરમિયાન પાસા અધિનિયમ હેઠળ કુલ 11 ઈસમો સામે અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે.

પાસા હેઠળ કાર્યવાહી કરાયેલા 11 ઈસમોમાં 8 બુટલેગર અને 3 ભયજનક ગુનેગારોનો સમાવેશ થાય છે. વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ચાર સામે પાસા કાર્યવાહી થઈ છે. જેમાં ભયજનક ગુનેગારો લાલજી ઉર્ફે ભરત અણદા રબારી અને વિશાલ સેજપાલનો સમાવેશ થાય છે. જ્યારે બુટલેગર તરીકે હાર્દિક બચુભાઈ કૈલા અને ભુપેન્દ્ર જયસુખ વાઘેલા સામે કાર્યવાહી થઈ છે. બંને સામે આશરે એક કરોડ રૂપિયાના દારૂની હેરાફેરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ તેજશભાઈ મનુભાઈ વહેરા અને દિપેશ ઉર્ફે રાહુલ પટેલ સામે પાસા કાર્યવાહી કરવામાં આવી છે. બંને સામેના ગુનાઓમાં મળીને આશરે અઢી કરોડ રૂપિયાના દારૂની હેરાફેરીના આક્ષેપો સાથે ગુનાઓ નોંધાયા હતા.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ ભયજનક ગુનેગાર મોહિત હસમુખભાઈ પરમાર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ટંકારા પોલીસ સ્ટેશન હેઠળ બુટલેગરો યશપાલસિંહ ઘનુભાઈ જાડેજા અને અખતર ઉર્ફે ભાણો સોકતભાઈ કચરા/ઘાંચી સામે કાર્યવાહી થઈ છે. બંને સામેના ગુનાઓમાં કુલ આશરે રૂ.52 લાખના દારૂની હેરાફેરી નોંધાઈ હતી.

માળીયા મિયાણા પોલીસ સ્ટેશન હેઠળ પ્રકાશ મોહનલાલ બિશ્રનોઇ સામે પાસા કાર્યવાહી કરવામાં આવી છે. તેની સામે આશરે રૂ.1.38 કરોડના દારૂની હેરાફેરીનો ગુનો નોંધાયો હતો.

આ ઉપરાંત હળવદ અને મોરબી તાલુકા બંનેમાં નોંધાયેલા ગુનામાં બુટલેગર વાલજી ઉર્ફે વાલો શામજીભાઈ જંજવાડિયા સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેની સામે આશરે રૂ.4 લાખના દારૂની હેરફેરનો ગુનો નોંધાયો હતો.

આ રીતે કુલ 11 ગુનાઓને ધ્યાને લઈ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અટકાયત કરાયેલા ઈસમોને ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ અને જુનાગઢની જેલોમાં મોકલવામાં આવ્યા છે.

કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ, બીયર અને દેશી દારૂ સહિતનો નોંધપાત્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત આશરે રૂ.5.37 કરોડ હોવાનું જણાવાયું છે.

મોરબી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે કાયદાની જોગવાઈઓ મુજબ આવી કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular