મોરબીના જૂના આરટીઓ બ્રિજ પાસે ટ્રાફિક જામ, વાહનચાલકો પરેશાન
મોરબી: શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યા હવે વાહનચાલકો માટે રોજિંદી પરેશાની બની રહી છે. મોરબીના જૂના આરટીઓ બ્રિજ પાસે આજે ફરી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા રસ્તા પરથી પસાર થતા અનેક વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.
જૂના આરટીઓ બ્રિજ પાસે વાહનોની સંખ્યા વધતા રસ્તા પર લાંબી કતારો જોવા મળી હતી. જેના કારણે વાહનચાલકોને ધીમી ગતિએ પસાર થવું પડ્યું હતું અને કેટલાક સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
મોરબી શહેરમાં વધતી વસ્તી, વાહનોની સંખ્યા અને મુખ્ય માર્ગો પર વધતા ટ્રાફિકના પ્રમાણ સામે ટ્રાફિક વ્યવસ્થાના કાયમી ઉકેલની જરૂરિયાત સતત અનુભવાઈ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ટ્રાફિક જામ સર્જાતો હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે સવાલ હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રોજની ટ્રાફિકની પારાયણથી વાહનચાલકોમાં નારાજગી
સવારથી સાંજ સુધી શહેરના મહત્વના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોવાના કારણે વાહનચાલકોનો સમય બગડી રહ્યો છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારણ વધી જતા સ્થિતિ વધુ ગંભીર બની જાય છે.
હવે સવાલ એ છે કે મોરબીને રોજિંદા ટ્રાફિક જામમાંથી કાયમી મુક્તિ ક્યારે મળશે? તંત્ર દ્વારા માત્ર તાત્કાલિક ટ્રાફિક નિયંત્રણને બદલે શહેરની વધતી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે અસરકારક આયોજન કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે
