તસ્કરોએ શેડમાં ઘૂસી પેનલ બોર્ડથી મેન્યુફેક્ચરિંગ મશીનો સુધીના કેબલ કાપી ઉઠાવ્યા; 1776 ફૂટ જેટલા વાયરની ચોરીથી ખળભળાટ
મોરબી: મોરબી તાલુકાના લૂંટાવદર ગામની સીમમાં આવેલા બંધ કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ‘ક્યોર અર્થ’ નામના ડિસ્પોઝલ ડીશ મેન્યુફેક્ચરિંગ કારખાનાના પ્રોડક્શન શેડમાં ઘૂસી તસ્કરોએ પેનલ બોર્ડથી લઈને મેન્યુફેક્ચરિંગ મશીનો સુધીના કિંમતી કોપરના વાયરો કાપી ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ચોરી થયેલા કોપર વાયરની અંદાજિત કિંમત રૂ.4.25 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે પરિશ્રમ એપાર્ટમેન્ટ, સ્વસ્તિક કો.ઓ. સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ મનજીભાઈ બાવરવાએ આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ લૂંટાવદર ગામની સીમમાં આવેલ તેમના માલિકીના ‘ક્યોર અર્થ’ કારખાનામાં મોડી રાતના સમયે અજાણ્યા ઈસમે ચોરીના ઈરાદે પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કારખાનાની બંધ દિવાલના શેડમાં રહેલા બાકોરામાંથી અંદર પ્રવેશ કર્યા બાદ શેડના શટરનાં નટ-બોલ્ટ ખોલી નાખ્યા હતા.
ત્યારબાદ તસ્કરોએ પ્રોડક્શન શેડમાં રહેલા પેનલ બોર્ડ તેમજ મેન્યુફેક્ચરિંગના તમામ મશીનોમાંથી અલગ-અલગ સાઈઝના કોપર વાયર કેબલ કાપી કાઢ્યા હતા. કુલ અંદાજે 1776 ફૂટ કોપર વાયર, જેની કિંમત આશરે રૂ.4,25,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ચોરી કર્યા બાદ તસ્કરો કોપરના વાયર લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કારખાનાના માલિકે મોરબી તાલુકા પોલીસનો સંપર્ક કરી અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે કારખાનાની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી તસ્કરોનું પગેરું મેળવવા તેમજ સીસીટીવી સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
