Homeગુજરાતમોરબીમોરબી સિરામિકમાં GSTનો સપાટો! સ્કાયપી ગ્રુપ પાસેથી દોઢ કરોડથી વધુનો દંડ વસૂલાયો...

મોરબી સિરામિકમાં GSTનો સપાટો! સ્કાયપી ગ્રુપ પાસેથી દોઢ કરોડથી વધુનો દંડ વસૂલાયો હોવાની ચર્ચા

ત્રણ દિવસ સુધી ચાલેલી તપાસમાં મોટા પાયે કરચોરી અને રોકડ વ્યવહારો સામે આવ્યા હોવાની સૂત્રોની માહિતી, અધિકારીઓની સત્તાવાર પુષ્ટિની રાહ

મોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગમાં ત્રણ દિવસ પહેલાં સ્ટેટ GST વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી દરોડાની કાર્યવાહીમાં હવે મોટી વિગતો સામે આવી રહી છે. સતત ત્રણ દિવસ સુધી ચાલેલી તપાસના અંતે સ્કાયપી (Skypee) નામના સિરામિક ગ્રુપ પાસેથી દોઢ કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

મળતી માહિતી મુજબ, સ્ટેટ GST વિભાગ દ્વારા મોરબીના સિરામિક ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયિક એકમો પર મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્કાયપી ગ્રુપમાં મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હોવાની ચર્ચા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન સામે આવેલી કરચોરીને લઈને વિભાગ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં દોઢ કરોડ રૂપિયાથી વધુની રકમ ભરાવવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. આ ઉપરાંત રોકડ વ્યવહારો પણ થયા હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

જોકે, સમગ્ર મામલે સ્ટેટ GST વિભાગના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તેથી દંડની ચોક્કસ રકમ, કરચોરીનો વ્યાપ અને રોકડ વ્યવહારો અંગેની વિગતોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં GST વિભાગની આ કાર્યવાહી બાદ અન્ય એકમોમાં પણ ફફડાટ ફેલાયો હોવાની ચર્ચા છે. હવે વિભાગ દ્વારા આ મામલે સત્તાવાર રીતે શું ખુલાસો કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

RELATED ARTICLES

Most Popular