Homeગુજરાતમોરબીમોરબી મનપામાં મંત્રીનો પિત્તો ગયો! કમિશનર-ડેપ્યુટી કમિશનરને મેયરની ચેમ્બરમાં જ ખખડાવ્યા

મોરબી મનપામાં મંત્રીનો પિત્તો ગયો! કમિશનર-ડેપ્યુટી કમિશનરને મેયરની ચેમ્બરમાં જ ખખડાવ્યા

“તમારી જેટલી ઉંમર થઈ છે એટલો મારો જાહેર જીવનનો અનુભવ છે, મને શીખવવાની જરૂર નથી, લોકોની સમસ્યાઓ દૂર કરો” — વેપારીઓ અને પત્રકારોની હાજરીમાં અધિકારીઓને મંત્રીએ ખખડાવ્યા

મોરબી: મોરબી મહાનગરપાલિકામાં આજે મંત્રી કાંતિ અમૃતિયા અને મહાનગરપાલિકાના કમિશનર તથા ડેપ્યુટી કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલીનો માહોલ સર્જાયો હતો. મેયરની ચેમ્બરમાં વેપારીઓની રજૂઆત દરમિયાન અધિકારીઓના વલણથી નારાજ થયેલા મંત્રી કાંતિ અમૃતિયાએ બંને અધિકારીઓને જાહેરમાં આકરા શબ્દોમાં સંભળાવી દીધું હતું. વેપારીઓ અને પત્રકારોની હાજરીમાં થયેલી આ બોલાચાલીથી ચેમ્બરમાં ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો.

મંત્રી કાંતિ અમૃતિયાએ અધિકારીઓને સંભળાવતા કહ્યું હતું કે, “તમારી જેટલી ઉંમર થઈ છે એટલો તો મારો જાહેર જીવનનો અનુભવ છે. મારી આબરૂની પથારી ફેરવવાનું બંધ કરો. કેવી રીતે કામ કરવું તે મને ખબર પડે છે, મારે કોઈની પાસેથી શીખવાની જરૂર નથી. લોકોની સમસ્યાઓ દૂર કરો.”

આટલું જ નહીં, મોરબીમાં અનેક સમસ્યાઓ હોવા છતાં વારંવાર રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ કેમ આવતું નથી તેવો સવાલ પણ મંત્રીએ અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો હતો. અધિકારીઓના વલણ સામે નારાજગી વ્યક્ત કરતા તેમણે બુદ્ધિ અને સમજણને લઈને પણ આકરા શબ્દો કહ્યા હતા.

આવાસના પ્રશ્નોની બેઠક બાદ વેપારીઓની રજૂઆતમાં મામલો ગરમાયો

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે મંત્રી કાંતિ અમૃતિયા દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આવાસના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક પૂર્ણ થયા બાદ મંત્રી સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ મેયરની ચેમ્બરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પરા બજાર સહિતના વિસ્તારોના વેપારીઓ રોડ-રસ્તાની સમસ્યાઓ અંગે રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા.

વેપારીઓ પોતાની સમસ્યાઓ રજૂ કરી રહ્યા હતા ત્યારે કમિશનર મેડમનું વલણ ઉગ્ર બન્યું હોવાની વિગતો સામે આવી છે. વેપારીઓની રજૂઆત વચ્ચે અધિકારીઓ અને રજૂઆતકારો વચ્ચે ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું.

આ સમયે મંત્રી કાંતિ અમૃતિયાએ દરમિયાનગીરી કરી કમિશનર અને ડેપ્યુટી કમિશનરને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, લોકો પોતાની સમસ્યાઓ લઈને આવે ત્યારે તેમની વાત સાંભળવી અને સમસ્યાનું નિરાકરણ લાવવું એ અધિકારીઓની જવાબદારી છે.

મંત્રીનો સવાલ: “મોરબીમાં આટલી સમસ્યાઓ છે તો દૂર કેમ નથી થતી?”

મંત્રી કાંતિ અમૃતિયાએ અધિકારીઓને સવાલ કર્યો હતો કે મોરબીમાં આટલી બધી સમસ્યાઓ હોવા છતાં તેનો ઉકેલ કેમ આવતો નથી? લોકો વારંવાર રજૂઆતો કરે છે, તેમ છતાં સમસ્યાઓ યથાવત્ કેમ રહે છે?

તેમણે અધિકારીઓને લોકોની રજૂઆતોને ગંભીરતાથી લઈ કામગીરી કરવા ટકોર કરી હતી.

મેયરની ચેમ્બરમાં વેપારીઓ, પત્રકારો, પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં બનેલી આ ઘટનાએ મોરબી મહાનગરપાલિકાના વહીવટી તંત્રની કામગીરી અને અધિકારીઓના નાગરિકો પ્રત્યેના અભિગમ અંગે ચર્ચા જગાવી છે.

એક તરફ આવાસના લાભાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક અને બીજી તરફ રોડ-રસ્તાની રજૂઆત દરમિયાન અધિકારીઓ સામે મંત્રીની નારાજગી — મોરબી મહાનગરપાલિકામાં આજે બનેલી આ ઘટનાએ વહીવટી વર્તુળોમાં ગરમાવો લાવી દીધો છે.

RELATED ARTICLES

Most Popular