“મોરબીમાં GSTના દરોડા બાદ અધિકારીઓમાં દિવાળી જેવો માહોલ! ચાર હાર્ડવેર વેપારીઓને ત્યાં તપાસ, બે સ્થળે સાહિત્ય જપ્ત તો બે સ્થળે મોટી રકમ ભરપાઈ થયાની ચર્ચા”
મોરબીમાં સિરામિક હાર્ડવેરના વેપારીઓને ત્યાં GST વિભાગે હાથ ધરેલી તપાસને લઈને વેપારી આલમમાં ભારે ચર્ચા જાગી છે. GST વિભાગની ટીમો દ્વારા શહેરના ચાર અલગ-અલગ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને વેપાર સંબંધિત સાહિત્ય મળી આવ્યું હોવાની સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, હિમાલય હાર્ડવેર, એક્યુરેટ હાર્ડવેર, કલકતા હાર્ડવેર અને સરદાર હાર્ડવેર ખાતે GST વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા હાર્ડવેર વેપારીઓ GST વિભાગના રડારમાં આવતા વેપારી વર્તુળોમાં ફફડાટ ફેલાયો હતો.
ચાર સ્થળે તપાસ, બે સ્થળેથી સાહિત્ય જપ્ત થયાની ચર્ચા
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ચાર સ્થળોએ હાથ ધરાયેલી તપાસ દરમિયાન બે સ્થળોએથી તમામ સંબંધિત સાહિત્ય અને દસ્તાવેજો જપ્ત કરીને GST વિભાગની ટીમો પોતાની સાથે લઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
જ્યારે અન્ય બે સ્થળોએ તપાસ દરમિયાન દંડ સહિતની રકમ ભરપાઈ કરવામાં આવી હોવાની ચર્ચા પણ સામે આવી રહી છે. જોકે, આ અંગે વિભાગ તરફથી સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
દિવાળી પહેલા જ ‘દિવાળી જેવો માહોલ’?
GST વિભાગની આ કામગીરી બાદ વેપારી આલમમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે વેપારીઓ પાસેથી મોટી રકમની ભરપાઈ કરાવવામાં આવી હોવાની માહિતી છે, પરંતુ ચોક્કસ રકમ કેટલી હતી તે હજુ સ્પષ્ટ થયું નથી.
બીજી તરફ, બે સ્થળોએથી સંપૂર્ણ સાહિત્ય જપ્ત કરવામાં આવતા તપાસનો વ્યાપ અને આગળની કાર્યવાહી શું રહેશે તે અંગે પણ સવાલો ઊભા થયા છે.
હવે GST વિભાગની આગળની કાર્યવાહી પર નજર
ચાર સ્થળોએ હાથ ધરાયેલી તપાસમાં કેટલા કરોડના વ્યવહારોની વિગતો સામે આવશે? કેટલા પ્રમાણમાં કરચોરીની આશંકા છે? અને કેટલો દંડ વસૂલવામાં આવ્યો છે? તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા થવાની બાકી છે.
હાલમાં સૂત્રો દ્વારા મળતી વિગતોના આધારે મોરબીના સિરામિક હાર્ડવેર વેપારીઓમાં GST વિભાગની આ કાર્યવાહીની ભારે ચર્ચા જોવા મળી રહી છે.
