Homeગુજરાતમોરબીમોરબી કોંગ્રેસની બેઠકમાં લલિત કગથરાનું મોટું નિવેદન: “હું ચૂંટણી લડવાનો નથી, પક્ષના...

મોરબી કોંગ્રેસની બેઠકમાં લલિત કગથરાનું મોટું નિવેદન: “હું ચૂંટણી લડવાનો નથી, પક્ષના ઉમેદવાર માટે મત માંગીશ”

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં મનોમંથન, માર્કેટિંગ યાર્ડના પરિણામો અને ખેડૂત આંદોલન અંગે પણ થઈ ચર્ચા

મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસની આજે એક ખાનગી હોલમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના નેતાઓ લલિત વસોયા, લલિત કગથરા સહિત જિલ્લા અને શહેર કોંગ્રેસના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ તાલુકાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન કોંગ્રેસના આગામી કાર્યક્રમો, સંગઠન મજબૂત બનાવવા તેમજ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચા અને મનોમંથન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં આવેલા ચૂંટણી પરિણામો અને જિલ્લામાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી લલિત કગથરા મોરબીથી લઈને અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી વિવિધ રાજકીય કાર્યક્રમોમાં સક્રિય જોવા મળી રહ્યા છે. તેમની વધતી સક્રિયતાને પગલે રાજકીય વર્તુળોમાં એક સવાલ ચર્ચાઈ રહ્યો હતો કે શું લલિત કગથરા આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરી ચૂંટણીના મેદાનમાં ઉતરશે?

આ તમામ અટકળો વચ્ચે આજે જિલ્લા કોંગ્રેસની બેઠકમાં લલિત કગથરાએ પોતાના ચૂંટણી લડવાના મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “હું ચૂંટણી લડવાનો નથી, પરંતુ પાર્ટી જે ઉમેદવાર નક્કી કરશે તેના માટે મત માંગવા જરૂર જઈશ.”

કગથરાના આ નિવેદનથી તેમની આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર હાલ પૂરતો પૂર્ણવિરામ મુકાયો છે. જોકે, ચૂંટણી ન લડવાની સ્પષ્ટતા સાથે પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરવાની તેમની તૈયારી કોંગ્રેસના સંગઠનમાં તેમની સક્રિય ભૂમિકાનો સંકેત આપે છે.

હવે જોવાનું એ રહેશે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મોરબી જિલ્લામાં કોને મેદાનમાં ઉતારે છે અને લલિત કગથરા પક્ષના ઉમેદવાર માટે કેવી ભૂમિકા ભજવે છે.

RELATED ARTICLES

Most Popular