બ્લેક સ્પોટ પર રોડ સેફ્ટી સાઇનેજ સહિતના પગલાં, 20 શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા
મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા માર્ગ સલામતી અંગે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ-2026 દરમિયાન બ્લેક સ્પોટ તથા વલ્નરેબલ સ્ટ્રેચ પર સલામતીના પગલાં, વાહન ચેકિંગ અને શાળાઓમાં જનજાગૃતિ સહિતની કામગીરી કરવામાં આવી હતી.
જિલ્લાના વિવિધ માર્ગો પર વારંવાર અકસ્માત થતા સ્થળોની ઓળખ કરી લાલપર, રફાળેશ્વર, મકનસર, હરિપર, ચંદ્રપુર, ધનાળા, કવાડિયા, ઢવાણા અને ચરાડવા સહિતના સ્થળોએ ટ્રાફિક કૉર્મિંગ મેઝર્સ અમલમાં મૂકવામાં આવ્યા છે. વાહનોની ઝડપ નિયંત્રિત કરવા માટે રોડ સેફ્ટી સાઇનેજ, સ્પીડ કન્ટ્રોલ મેઝર્સ, રોડ માર્કિંગ, રિફ્લેક્ટિવ ડેલિનેટર, કેટ આઈ, ટ્રાન્સવર્સ બાર માર્કિંગ અને સ્ટ્રીટ લાઇટિંગ જેવા પગલાં લેવામાં આવ્યા છે.
આરટીઓ દ્વારા ત્રણ મહિનામાં 3,957 કેસમાં કાર્યવાહી
જૂનથી ઓગસ્ટ દરમિયાન આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ અસરકારક વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં લાયસન્સ વિના વાહન ચલાવવા બદલ 1,520 કેસ, વિમા વિના વાહન ચલાવવા બદલ 1,050 કેસ, રૉંગ સાઇડ ડ્રાઇવિંગના 419 કેસ, હેલ્મેટ વિના વાહન ચલાવવાના 118 કેસ, ઓવરલોડના 487 કેસ અને ઓવર ડાયમેન્શનના 363 કેસ મળી કુલ 3,957 કેસમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
20 શાળાઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ
માર્ગ સલામતી અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવા માટે આરટીઓ વિભાગ, પોલીસ વિભાગ અને 108ની ટીમ દ્વારા મોરબી જિલ્લાની 20 શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ તેમજ માર્ગ પર સલામત વર્તન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
220 અકસ્માત પીડિતોને PM-RAHAT યોજનાનો લાભ
માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમલમાં રહેલી PM-RAHAT યોજના હેઠળ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 220 માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં અકસ્માત પીડિતોને સારવારનો લાભ આપવામાં આવ્યો છે. યોજના હેઠળ અકસ્માત પીડિતને 7 દિવસ સુધી રૂ. 1.50 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવામાં આવે છે.
મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે રસ્તાઓ પર સલામતીના જરૂરી પગલાં, ટ્રાફિક નિયમોનું અમલીકરણ અને જનજાગૃતિની કામગીરી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.
