મોરબી એસ.ટી. ડેપો ખાતે અંબાજી માતાજીના તૃતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી, યજ્ઞ-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે
મોરબી: મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે શ્રી અંબાજી માતાજીના તૃતીય પાટોત્સવ નિમિત્તે આગામી તા. 22 ઓક્ટોબર, ગુરુવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એસ.ટી. પરિવાર, મોરબી ડેપો દ્વારા આયોજિત આ પાવન પ્રસંગે યજ્ઞ, પૂર્ણાહુતિ હોમ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં જોડાવા ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ધાર્મિક આસ્થા અને ભક્તિના માહોલમાં ઉજવાનારા આ પાટોત્સવનો પ્રારંભ સવારે 8:30 કલાકે યજ્ઞ સાથે થશે. ત્યારબાદ બપોરે 3:30 કલાકે પૂર્ણાહુતિ હોમ યોજાશે. જ્યારે સાંજે 5:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલા એસ.ટી. ડેપોમાં યોજાશે.
આ પાટોત્સવ નિમિત્તે એસ.ટી. પરિવાર દ્વારા નિવૃત્ત કર્મચારીઓ અને વડીલોને ખાસ ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. વડીલોની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભા વધે અને સૌને સાથે મળીને ધાર્મિક પ્રસંગની ઉજવણી કરવાનો અવસર મળે તેવા હેતુથી તેમને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વડીલો માટે બપોરના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું આમંત્રણ પત્રિકામાં જણાવાયું છે.
શ્રી અંબાજી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને પાટોત્સવના ધાર્મિક પ્રસંગમાં સહભાગી બનવા મોરબીના ભાવિક ભક્તો, એસ.ટી. પરિવારના સભ્યો તથા નિવૃત્ત કર્મચારીઓને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
