Homeગુજરાતરાજકોટસુરેન્દ્રનગરના સાયલામાં પોલીસ ટીમ પર હુમલાનો પ્રયાસ! વોન્ટેડ આરોપીના પગમાં PSIએ મારી...

સુરેન્દ્રનગરના સાયલામાં પોલીસ ટીમ પર હુમલાનો પ્રયાસ! વોન્ટેડ આરોપીના પગમાં PSIએ મારી ગોળી

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમની કાર્યવાહી દરમિયાન ઘર્ષણ; PSIની રિવોલ્વર છીનવી હુમલાનો પ્રયાસ કર્યાની માહિતી

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. છ જેટલા ગુનાઓમાં વોન્ટેડ હિસ્ટ્રીશીટર દેવેન્દ્ર ઉર્ફે દેદુ ઉર્ફે જેન્ડુ બોરીચાને ઝડપી પાડવા માટે પોલીસ ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આરોપી અને પોલીસ ટીમ વચ્ચે ઘર્ષણ થયું હોવાની માહિતી સામે આવી છે. આરોપીએ PSI ભાનુ મિત્રાની રિવોલ્વર છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે PSI પૃથ્વીસિંહ મોરીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક રાઉન્ડ હવામાં અને બીજો રાઉન્ડ આરોપીના પગમાં વાગતાં તે ઘાયલ થયો હતો.

વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ

મળતી માહિતી મુજબ, દેવેન્દ્ર ઉર્ફે દેદુ બોરીચા સામે રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં છ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનાઓમાં ફરાર આરોપીને ઝડપી પાડવા રાજકોટ રેન્જની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. સાયલા વિસ્તારમાં આરોપીને પકડવા દરમિયાન પોલીસ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હોવાની વિગતો સામે આવી છે.

PSIની રિવોલ્વર છીનવી હુમલો કરવાનો પ્રયાસ

પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીએ PSI ભાનુ મિત્રાની રિવોલ્વર છીનવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી છે. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા PSI પૃથ્વીસિંહ મોરીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પ્રથમ રાઉન્ડ હવામાં છોડવામાં આવ્યો હતો, જ્યારે બીજા રાઉન્ડની ગોળી આરોપીના પગમાં વાગતાં તે ઘાયલ થયો હતો.

ઘાયલ આરોપીને પ્રાથમિક સારવાર માટે સાયલા લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસની ફરજમાં રૂકાવટ બદલ ફરિયાદ

આ સમગ્ર બનાવ અંગે સાયલા પોલીસ સ્ટેશનમાં પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરવા સહિતની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી છે. જોકે, ફરિયાદની અંતિમ વિગતો અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસનું સત્તાવાર નિવેદન મળ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

હથિયારથી લઈને મારામારી સુધીના ગુનાઓમાં નામ

દેવેન્દ્ર ઉર્ફે દેદુ ઉર્ફે જેન્ડુ બોરીચા સામે હથિયાર, મારામારી, ગુનાહિત કાવતરું, રમખાણ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુનાઓમાં સંડોવણીના આક્ષેપો હોવાનું જાણવા મળ્યું છે. મે 2022માં ગુજરાત ATS દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હોવાની તેમજ અગાઉ તેની સામે PASA કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે.

RELATED ARTICLES

Most Popular