Homeગુજરાતમોરબીના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, એક શખ્સ ઝડપાયો

મોરબીના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, એક શખ્સ ઝડપાયો

364 ગાંજાના છોડ સાથે રૂ.16.57 લાખનો મુદ્દામાલ કબજે, મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગની કાર્યવાહી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચિત્રોડી ગામે એરંડાના પાકની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના 364 લીલા છોડ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજાના છોડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.16,57,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની પ્રેસનોટ મુજબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ ભુજ (કચ્છ) અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી નશીલા પદાર્થોના વેચાણ અને ગેરકાયદેસર વાવેતર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન એન્ટી નાર્કોટિક્સ વિંગને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના ચિત્રોડી ગામે હનીફભાઈની વાડીમાં રહેતો વીપુલભાઈ ઉર્ફે રોકો ધીરુભાઈ પરાલીયા (ઉંમર 30 વર્ષ) પોતાના કબજાના ખેતરમાં ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરી રહ્યો છે.

આ બાતમીના આધારે એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે ખેતરમાં દરોડો પાડતાં નાના-મોટા લીલા ગાંજાના કુલ 364 છોડ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 33 કિલો 50 ગ્રામ નોંધાયું હતું. પોલીસે ગાંજાના છોડની કિંમત રૂ.16,52,500 તથા રૂ.5,000ની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.16,57,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે આરોપી વીપુલભાઈ ઉર્ફે રોકો ધીરુભાઈ પરાલીયા વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 20(A) અને 20(B)(2)(C) હેઠળ ગુનો નોંધી હળવદ પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક પરીક્ષણ અને અભિપ્રાય FSL અધિકારી દ્વારા આપવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હળવદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરીમાં એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ખરાડી, PSI એચ.એમ. ગઢવી સહિતની ટીમ જોડાઈ હતી.

Advertisement
RELATED ARTICLES

Most Popular