મોરબી શહેરના સીટી એ ડિવિઝન પોલીસ મથક ના ગેટ પર એક યુવકે કથિત પોલીસની હેરાનગતિ અને કેટલાક શખ્સ સામે ફરિયાદ ન લેવાતી હોવાના આરોપ સાથે ફિનાઇલ પી લેતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ બનાવે પોલીસની કાર્યપદ્ધતિ અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હર્ષદભાઈ વેલજીભાઈ ચૌહાણ નામના યુવકે પોલીસ સ્ટેશનમાં જ ફિનાઇલ પીધું હતું. યુવકનો આક્ષેપ છે કે મનીષા અને સુરીયો નામના વ્યક્તિઓ દ્વારા તેને લાંબા સમયથી ત્રાસ આપવામાં આવી રહ્યો હતો તેમજ તેના દીકરાને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે વારંવાર પોલીસમાં ફરિયાદ કરવા છતા કોઈ કાર્યવાહી ન થતાં અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા કંટાળીને તેણે આ અતિઆઘાતજનક પગલું ભર્યું હોવાનું જણાવાયું છે.
ફિનાઇલ પીધા બાદ યુવકની તબિયત બગડતાં તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત અંગે તબીબો નજર રાખી રહ્યા છે.
પીઆઈ રાકેશ પટેલ ફરી વિવાદમાં
આ સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ રાકેશ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પીઆઈ રાકેશ પટેલ અગાઉ પણ અનેક વિવાદોમાં ચર્ચાસ્પદ રહ્યા છે.
થોડા દિવસો અગાઉ મોરબીના જાહેર માર્ગ પર એક વ્યક્તિ એક હાથમાં લાકડી અને બીજા હાથમાં દારૂની પોટલી લઈને જતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે પણ પોલીસની ભૂમિકા પર સવાલો ઊઠ્યા હતા. આ સિવાય અગાઉ પીઆઈ દ્વારા મહિલાને હેરાન કરવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા.
હવે વારંવાર વિવાદોમાં રહેલા પીઆઈના પોલીસ સ્ટેશનમાં પોલીસ તથા બૂટલેગરોનાં કથિત ત્રાસથી કંટાળીને યુવકે ફિનાઇલ પીધું હોવાનો ગંભીર આક્ષેપ થતાં મામલો વધુ સંવેદનશીલ બન્યો છે.
ઉચ્ચસ્તરીય તપાસની માંગ
આ ઘટનાને પગલે શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠી છે. જો આરોપોમાં સત્યતા સાબિત થાય તો જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
આ બનાવ માત્ર એક યુવકના પ્રયાસ પૂરતો સીમિત નથી, પરંતુ પોલીસ પ્રણાલી પર લોકોના વિશ્વાસને ઝંઝોડનારો ગંભીર મુદ્દો બની રહ્યો છે.
