Monday, February 2, 2026
Homeગુજરાતમુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનો ફજેતો થવાના એંધાણ

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનો ફજેતો થવાના એંધાણ

મોરબી : મુખ્યમંત્રીના આવનારા કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને લઈને વિવાદ ઉભો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે લેણદારો દ્વારા ઉઘરાણી માટે જતા પોલીસ બોલાવી ધમકાવવામાં આવ્યાના આરોપો ચર્ચામાં છે. આ મામલે હવે લેણદારો પોતાની પરસેવાની કમાણી ન મળતાં મુખ્યમંત્રી સમક્ષ સીધી રજૂઆત કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચર્ચાતી વિગતો મુજબ, જિલ્લા ભાજપ પ્રમુખ પાસે પોતાના નાણાં બાબતે લેણદાર વારંવાર પહોંચતા હોવા છતાં ઉકેલ ન મળતાં તેમને પોલીસના હવાલે કરવાના બનાવો સામે આવ્યા છે. માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ ભાજપના પોતાના કાર્યકરો અને સિનિયર નેતાના નજીકના કાર્યકરોના સગાઓ પણ રૂપિયા બાબતે રજૂઆત કરવા જતા પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

રાજકીય વર્તુળોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે ભાજપના પોતાના નજીકના કાર્યકરોને આ રીતે પોલીસના હવાલે કરવામાં આવ્યા હોય તો સામાન્ય નાગરિકોની હાલત શું થતી હશે? આ સમગ્ર ઘટનાક્રમને લઈને પક્ષની અંદરથી પણ નારાજગી સામે આવી રહી છે.

વિશેષ કરીને પ્રદેશ ભાજપમાં તાજેતરમાં નિયુક્ત થયેલા નેતાના અંગત વ્યક્તિને પણ પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હોવાની ચર્ચા છે, જેને લઈને ભાજપના આંતરિક વર્તુળોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે ભાજપના જ એક સિનિયર નેતાના નજીકના વ્યક્તિ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ તમામ મુદ્દાઓની વિગતવાર રજૂઆત કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

જો મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન આ મુદ્દે રજૂઆત થાય તો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ માટે રાજકીય રીતે અસહજ સ્થિતિ સર્જાઈ શકે છે. સમગ્ર મામલે હવે ભાજપનું ઉચ્ચ નેતૃત્વ શું વલણ અપનાવે છે તેની તરફ રાજકીય જગતની નજર મંડાઈ છે.

RELATED ARTICLES

Most Popular