મોરબી: ગુનામાં સંડોવાયેલા અને વચગાળાના જામીન પરથી ફરાર ચાલતા મુખ્ય આરોપીને મોરબી એલ.સી.બી. તેમજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડી મોરબી સબ જેલ હવાલે કર્યો છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા તથા પેરોલ જમ્પ થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ ટીમ સક્રિય હતી. દરમિયાન, ટંકારા પોલીસ સ્ટેશનના અપહરણ અને દુષ્કર્મ તથા પોક્સો એક્ટના ગુનાના કામે મોરબી સબ જેલ ખાતે કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો આરોપી હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા દરબાર (ઉં.વ. ૪૨, રહે. લજાઈ ગામ, તા. ટંકારા, જી. મોરબી) નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર વચગાળાની પેરોલ રજા પર મુક્ત થયો હતો. નિયત સમયમર્યાદા પૂરી થવા છતાં તે જેલ ખાતે હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો.
આરોપીને ઝડપી પાડવા માટે એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ સતત કાર્યરત હતી. તે દરમિયાન હ્યુમન સોર્સીસ આધારે મળેલી ચોક્કસ બાતમીના આધારે, આરોપી હાલ તેના ઘરે આવેલો હોવાની હકીકત મળતા પોલીસે તેના ઘરે દ્રષ્ટિ રાખી તેને પકડી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
