મોરબી તાલુકા પોલીસની જુગાર પર તવાઈ; રૂ.1.34 લાખથી વધુની રોકડ સાથે 9 શખ્સોને ઝડપી પાડ્યા
મોરબી: મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિરે જવાના કાચા રસ્તા પર જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 9 ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી રૂ.1,34,200ની રોકડ રકમ મળી આવતા તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ગોર ખીજડીયા ગામની સીમમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિરે જવાના કાચા રસ્તા પર જાહેર રોડ ઉપર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા રોહિતભાઈ કાંતીભાઈ સરવૈયા, રફીકભાઈ નુરમામદભાઈ જામ, ગોપાલભાઈ મોમભાઈ બાબુથર, મહેશભાઈ સામંતભાઈ વિંઝવાડીયા, ભરતભાઈ બાબુભાઈ ચાવડા, પનીવેલ કૃપાસ્વામી આદિદ્રવીડન, સતીષભાઈ ઉર્ફે સતાભાઈ બેચરભાઈ રાવા, સંજયભાઈ ચંદુભાઈ પરેસા અને ગોપાલભાઈ લખાભાઈ જાદવ મળી કુલ 9 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ.1,34,200ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ તમામ 9 ઈસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસની આ કાર્યવાહીથી જાહેરમાં ચાલતા જુગારના અડ્ડાઓમાં દોડધામ મચી હોવાનું સામે આવ્યું છે.
