મેયરની આસપાસ સતત હાજરી, રજૂઆત કરવા આવતા લોકોને રોકવાના આક્ષેપો; સત્તા કોની પાસે?
મોરબી મહાનગરપાલિકામાં અગાઉ મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પતિઓની દખલગીરીને લઈને સવાલો ઉઠ્યા હતા. હવે મહાનગરપાલિકામાં મેયરના ભાઈની કથિત દખલગીરીને લઈને નવા સવાલો ઉભા થયા છે.
આક્ષેપો મુજબ મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણીની આસપાસ તેમના ભાઈ સતત જોવા મળે છે અને મેયરને મળવા આવતા લોકોની રજૂઆતો સાંભળતા હોવાના તેમજ કેટલાક લોકોને સીધી રીતે મેયર સુધી પહોંચવા ન દેતા હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ મહાનગરપાલિકાના સત્તાવાર કામકાજમાં મેયરના પ્રતિનિધિ કે પીએ તરીકે કાર્ય કરી રહ્યો હોય, તો તેને આ પ્રકારની સત્તા અથવા જવાબદારી કોણે સોંપી? શું તેના માટે કોઈ સત્તાવાર નિમણૂક, આદેશ કે અધિકૃત મંજૂરી છે?
કાયદો શું કહે છે?
ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ, 1949ની જોગવાઈઓ પ્રમાણે મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક માટે નિર્ધારિત પ્રક્રિયા છે. કલમ 53 મુજબ મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂકની સત્તા કાયદામાં નિર્ધારિત મ્યુનિસિપલ સત્તાધિકારી પાસે રહે છે, જ્યારે કલમ 54માં સ્ટાફ સિલેક્શન કમિટી અને નિમણૂકની પ્રક્રિયા અંગે જોગવાઈ છે.
સાથે જ કલમ 67 હેઠળ મહાનગરપાલિકાની એક્ઝિક્યુટિવ સત્તા મુખ્યત્વે મ્યુનિસિપલ કમિશનર પાસે રહે છે. કાયદામાં મેયરને ચોક્કસ નીતિગત અને વિકાસલક્ષી બાબતોમાં ભૂમિકા આપવામાં આવી છે, પરંતુ માત્ર મેયરના સગા હોવાના આધારે કોઈ વ્યક્તિને મ્યુનિસિપલ અધિકારી કે કર્મચારી તરીકે સત્તા મળતી નથી. આવી કોઈ સત્તાવાર નિમણૂક અથવા લેખિત અધિકૃતતા હોય તો તેનો આધાર જાહેર થવો જરૂરી બને છે.
ભાજપના ‘મહિલા સશક્તિકરણ’ના દાવા સામે પણ સવાલ
મહાનગરપાલિકામાં મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, પરંતુ અગાઉ મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પરિવારજનોની દખલગીરીના આક્ષેપો સામે આવ્યા હતા. હવે મેયરના ભાઈની કથિત દખલગીરીના આક્ષેપો સામે આવતા રાજકીય અને વહીવટી બંને સ્તરે સવાલો ઉભા થયા છે.
મહુડી મંડળ સુધી પણ આ મુદ્દે રજૂઆત પહોંચી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં હજુ સુધી મેયરની આસપાસ આ વ્યક્તિની સતત હાજરીને લઈને કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.
મેયર પાસે સત્તા છે કે માત્ર ખુરશી?
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર ઉત્તમ સુરાણીની આસપાસ તેમના ભાઈની આટલી સતત હાજરી કેમ જોવા મળે છે? રજૂઆત કરવા આવતા લોકોને કોણ રોકે છે? મેયરને મળવા માટે લોકોને વચ્ચે કોણ નિર્ણય લે છે? અને જો આ વ્યક્તિ કોઈ સત્તાવાર જવાબદારી નિભાવી રહ્યા હોય તો તેમની નિમણૂકનો આદેશ ક્યાં છે?
આ સવાલોના જવાબ હવે મેયર અને મહાનગરપાલિકા તંત્રએ આપવાના છે.
કારણ કે સવાલ માત્ર મેયરના ભાઈનો નથી…
સવાલ એ છે કે મોરબી મહાનગરપાલિકા ખરેખર કાયદા અને નિયમોથી ચાલે છે કે પછી સત્તાવાર હોદ્દા કરતાં પરિવારની દખલગીરી વધુ અસરકારક બની રહી છે?
મહાનગરપાલિકા પાસે સીધા સવાલો
- મેયરના ભાઈને મહાનગરપાલિકામાં કઈ સત્તાવાર જવાબદારી આપવામાં આવી છે?
- શું તેમની કોઈ સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે?
- જો તેઓ મેયરના પીએ તરીકે કાર્ય કરતા હોય તો તેનો લેખિત આદેશ કોણે કર્યો?
- લોકોને મેયર સુધી પહોંચતા રોકવાનો અધિકાર તેમને કોણે આપ્યો?
- શું મેયર અથવા કમિશનર દ્વારા આવી કોઈ સત્તા સોંપવામાં આવી છે?
- મહુડી મંડળ સુધી રજૂઆત પહોંચ્યા બાદ શું કાર્યવાહી કરવામાં આવી?
હવે જોવાનું એ છે કે મોરબી મહાનગરપાલિકામાં મેયરની સત્તા ચાલે છે કે મેયરની આસપાસ ફરતા તેમના પરિવારજનોની દખલગીરી?
