રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે વિકાસકાર્યનો પ્રારંભ, રૂ. 68 લાખના ખર્ચે બનશે માર્ગ
મોરબી: મોરબી શહેરના વોર્ડ નં. 9માં આવેલી અવની સોસાયટીના રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, ડ્રેનેજ સમિતિના ચેરમેન તથા વોર્ડ નં. 9ના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયા, ભગવતી કુંડારિયા, હિરેનભાઈ કરોતરા સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
અવની સોસાયટીમાં આશરે 550 મીટર લંબાઈનો રોડ બનાવવામાં આવશે. આ વિકાસકાર્ય માટે અંદાજિત રૂ. 68 લાખનો ખર્ચ થવાનો છે. રોડનું કામ લોકભાગીદારીના ધોરણે હાથ ધરવામાં આવશે, જેમાં કુલ ખર્ચના 80 ટકા સરકાર દ્વારા અને 20 ટકા રકમ સોસાયટી દ્વારા આપવામાં આવશે.
રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી હતી. રોડનું કામ પૂર્ણ થયા બાદ અવની સોસાયટીના રહીશોને વધુ સુવિધાયુક્ત અને સુગમ માર્ગની સુવિધા મળી રહેશે.
