Homeગુજરાતમોરબીજેતપર ગામમાં PM-ગૃહમંત્રીના પુતળા દહન મામલે પોલીસ કાર્યવાહી

જેતપર ગામમાં PM-ગૃહમંત્રીના પુતળા દહન મામલે પોલીસ કાર્યવાહી

જાહેર માર્ગ પર વિરોધ પ્રદર્શન અને જાહેરનામાના ભંગ બદલ 21થી વધુ સામે ફરિયાદ

મોરબી તાલુકાના જેતપર ગામના મુખ્ય ચોક ખાતે 17 સપ્ટેમ્બર 2026ના રોજ મોડી રાત્રે પૂર્વ મંજૂરી વિના ડોમ ઊભો કરી વિરોધ પ્રદર્શન યોજવાના મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વિરોધ દરમિયાન વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહમંત્રીના પુતળાનું દહન કરવામાં આવ્યું હોવાનો અને લાકડાના ધોકા વડે પુતળાને ફટકારવામાં આવ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે.
પોલીસ ફરિયાદ મુજબ, જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સવજીભાઈ ઘેટીયા ફરિયાદી બન્યા છે. ફરિયાદમાં આરોપ છે કે, પૂર્વ આયોજન સાથે સાર્વજનિક માર્ગ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ પ્રગટાવવામાં આવી હતી, જેના કારણે ભયનું વાતાવરણ ઊભું થયું હતું. તેમજ માનવજીવન અને મિલકતને નુકસાન થવાની શક્યતા ઊભી કરીને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ સહિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) તથા જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
આ લોકો સામે ફરિયાદ
પોલીસ ફરિયાદમાં નેહુલ ધીરજલાલ અમૃતિયા, હર્ષદ ચતુરભાઈ અઘારા, રાજુભાઈ ભુદર કંડીયા (પાવભાજી), દીપક નાથાભાઈ ઝાકાસણીયા, લાલજી ઘનશ્યામ ઝાકાસણીયા, લલીત ઉર્ફે ભોટીયો ચીકુભાઈ અઘારા, કોકાભાઈ બચુભાઈ કંડીયા, અમીત બચુભાઈ કંડીયા, નરેશ બચુભાઈ અઘારા, નંદલાલ પ્રભુભાઈ અમૃતિયા, ગોવિંદ ધરમશીભાઈ અમૃતિયા, ચતુર છગન અઘારા, લાભુભાઈ અમરશીભાઈ વરસડા, હિરેન ચંદુભાઈ અઘારા, વિપુલ મગનભાઈ કંડીયા, ખુશાંગીબેન રાજેશભાઈ અઘારા, દર્શનાબેન ઉર્ફે ગુડીબેન હર્ષદભાઈ અઘારા, મિતલબેન વિપુલભાઈ કંડીયા, જ્યોતિબેન નિકેતભાઈ પંચાસર, નીરૂભા પ્રમોદસિંહ જાડેજા (રહે. કુંભારીયા) અને હીરજીભાઈ દેવજીભાઈ દેત્રોજા (રહે. કુંભારીયા) સહિત કાર્યક્રમના અન્ય આયોજકો અને આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular