પાંચ વર્ષ જૂના બનાવમાં પરિણીતાની ફરિયાદઃ નાણાકીય લેવડદેવડની આડમાં દુષ્કર્મનો આક્ષેપ, સિટી A ડિવિઝન પોલીસે શોધખોળ શરૂ કરી
મોરબી: મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટરના પતિ તથા ભાજપના આગેવાન શૈલેષ માકાસણા સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં એક પરિણીતાએ દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, વર્ષ 2020 દરમિયાન પરિણીતાના પતિની બીમારીના સંદર્ભમાં નાણાકીય જરૂરિયાત ઊભી થતાં તેણે આરોપીની પત્ની પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ નાણાકીય વ્યવહારની આડમાં આરોપીએ પરિણીતાને પોતાના રહેણાંક ફ્લેટમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.
ફરિયાદ મુજબ, આ ઘટનાના પગલે પરિણીતા ગર્ભવતી બની હતી. ત્યારબાદ આરોપીએ બાળકની જવાબદારી ઉઠાવવાની વાત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જોકે, બાદમાં આરોપીએ પોતાના ‘ઓમ વિલા’ બંગલે બોલાવી ફરીથી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, આ સમગ્ર બાબત કોઈને જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના કારણે ફરિયાદી મહિલાએ લાંબા સમય સુધી ફરિયાદ નોંધાવી ન હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ ઘટનાના આશરે પાંચ વર્ષ બાદ પરિવારજનોને સમગ્ર બાબતની જાણ થતાં પરિવાર તરફથી હિંમત મળ્યા બાદ મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે આરોપી શૈલેષ માકાસણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે શૈલેષ માકાસણાના ‘ઓમ વિલા’ બંગલામાં અગાઉ જુલાઈ મહિનામાં પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો હતો અને કેટલાક શખ્સોની ધરપકડ કરી હતી. જોકે, તે દરોડા દરમિયાન શૈલેષ માકાસણા સ્થળ પર હાજર ન હોવાનું અગાઉ સામે આવ્યું હતું.
