ખેડૂત છાવણીમાં આંદોલનના નામે ભાષણો અને બીજી તરફ કોંગ્રેસના વોટ ચોરી વિરોધી કાર્યક્રમમાં હાજરી! કાનાભાઈની બે તસવીરોએ અનેક સવાલો ઊભા કર્યા
મોરબી | ધ ડેઇલી જનતા
મોરબીના જેતપર ગામે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને હવે એક નવો રાજકીય સવાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આંદોલન ખરેખર ખેડૂતોના હક અને ન્યાય માટેની લડાઈ છે કે પછી તેની પાછળ કોઈ રાજકીય શક્તિઓ પોતાનો એજન્ડા આગળ ધપાવી રહી છે?
જેતપરના ખેડૂત આંદોલનમાં એક નિયમની વાત સતત કરવામાં આવે છે કે કોઈપણ રાજકીય હોદ્દો ધરાવતી વ્યક્તિએ ખેડૂત છાવણીમાં પ્રવેશ કરવો નહીં. આ નિયમ પાછળનો આશય પણ સ્પષ્ટ છે કે આંદોલન રાજકીય પક્ષોથી અલિપ્ત રહી માત્ર ખેડૂતોના પ્રશ્નો પર કેન્દ્રિત રહે.
પરંતુ હવે આ નિયમ અને આંદોલનના કેટલાક ચહેરાઓની રાજકીય ગતિવિધિઓ વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો હોવાની ચર્ચા ઊઠી છે.
ખેડૂત છાવણીમાં ભાષણ અને કોંગ્રેસના કાર્યક્રમમાં નારાબાજી, સવાલો તો ઊઠશે જ!
ખેડૂત છાવણીમાં વારંવાર સ્ટેજ ઉપરથી ભાષણ આપતા કાનાભાઈની બે અલગ તસવીરો સામે આવી છે. એક તસવીરમાં તેઓ ખેડૂત આંદોલનના મંચ પરથી ખેડૂતોને સંબોધતા જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં તેઓ કોંગ્રેસ દ્વારા SIR અને વોટ ચોરીના મુદ્દે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં નારા લગાવતા જોવા મળી રહ્યા છે.
અહીં સવાલ એ છે કે જો આ લડાઈ સંપૂર્ણપણે ખેડૂતોના હકની છે, તો પછી કોંગ્રેસના રાજકીય કાર્યક્રમમાં જોડાવાની જરૂરિયાત શું ઊભી થઈ?
ખેડૂત આંદોલનના મંચ પરથી ખેડૂતોના પ્રશ્નોની વાત કરવી અને બીજી તરફ રાજકીય પક્ષના વિરોધ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેવો, આ બંને ભૂમિકાઓ વચ્ચેનો સંબંધ શું છે?
શું આ માત્ર વ્યક્તિગત રાજકીય અભિપ્રાય છે કે પછી ખેડૂત આંદોલનને કોઈ ચોક્કસ રાજકીય દિશામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડૂત આંદોલન રાજકીય પ્રયોગનું મેદાન બની રહ્યું છે?
ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને હજુ સમય છે, પરંતુ રાજકીય પક્ષો અને આગેવાનો દ્વારા સંગઠન મજબૂત કરવાની કવાયત શરૂ થતી જોવા મળે છે. આવા સંજોગોમાં જેતપરનું ખેડૂત આંદોલન પણ રાજકીય ચર્ચાનો વિષય બન્યું છે.
સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે કેટલાક કોંગ્રેસી આગેવાનો ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ચહેરાઓ મારફતે પોતાની રાજકીય પકડ મજબૂત કરવા માગે છે.
જો આ ચર્ચાઓમાં તથ્ય હોય, તો સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતોના હક માટે શરૂ થયેલી લડાઈ ક્યાંક રાજકીય કારકિર્દી ઘડવાનું માધ્યમ તો નથી બની રહી ને?
ખેડૂત આંદોલનના નેતૃત્વની રાજકીય નિષ્ઠા અને તેની સ્વતંત્રતા અંગે ઊઠતા સવાલોનો જવાબ હવે આંદોલનના આગેવાનોએ આપવો જરૂરી બન્યો છે.
આંદોલન ખેડૂતોનું કે રાજકીય મહત્વાકાંક્ષાઓનું?
મોરબીના રાજકીય વર્તુળોમાં અગાઉ પણ વિવિધ જનઆંદોલનોમાં રાજકીય આગેવાનોની ભૂમિકાને લઈને ચર્ચાઓ થતી રહી છે. પાટીદાર આંદોલન હોય કે અન્ય સ્થાનિક મુદ્દાઓ, જનઆંદોલનમાંથી રાજકીય ઓળખ અને લોકપ્રિયતા મેળવવાના પ્રયાસો અંગે અનેક વખત સવાલો ઊઠ્યા છે.
હવે જેતપરના ખેડૂત આંદોલનમાં પણ આવી જ કોઈ રાજકીય વ્યૂહરચના અમલમાં છે કે કેમ તે તપાસ અને સ્પષ્ટતાનો વિષય છે.
ખેડૂતોની છાવણીમાં કોણ આવે છે તેનાથી વધુ મહત્ત્વનું એ છે કે છાવણીમાં બેઠેલા લોકોને દિશા કોણ આપી રહ્યું છે? ભાષણો પાછળની વિચારધારા શું છે? અને આંદોલનના અંતિમ નિર્ણયોમાં કોનો પ્રભાવ છે?
ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે?
જેતપરના ખેડૂતો વીજળીના પ્રશ્ને પોતાના હક માટે લડી રહ્યા છે. તેમની લડાઈને રાજકીય રંગ મળે તો આખરે નુકસાન ખેડૂતોના મૂળ પ્રશ્નોને જ થઈ શકે છે.
ખેડૂતોને પોતાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ આંદોલનના નામે કોઈ વ્યક્તિ પોતાની રાજકીય સફર મજબૂત કરી રહી છે કે નહીં તે અંગે પારદર્શિતા પણ એટલી જ જરૂરી છે.
હવે સવાલ સીધો છે: જેતપરના ખેડૂત આંદોલનનું સુકાન ખરેખર ખેડૂતોના હાથમાં છે કે પછી પડદા પાછળથી કોઈ રાજકીય ખેલાડી દોરીસંચાર કરી રહ્યું છે?
આ સવાલનો જવાબ માત્ર ભાષણોથી નહીં, પરંતુ આંદોલનના આગેવાનોની ભૂમિકા અને તેમની જાહેર રાજકીય પ્રવૃત્તિઓથી જ સ્પષ્ટ થઈ શકશે.
