સનાળામાં યોજાયેલી સેવા જ્યોતિ યાત્રામાં ચાલુ કાર્યક્રમ વચ્ચે ખુરશીઓ ખાલી જોવા મળી
મોરબી: સનાળા ખાતે સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નો સરકારી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોની માહિતી રજૂ કરવામાં આવી હતી. જોકે કાર્યક્રમ દરમિયાન જોવા મળેલા ખાલી ખુરશીઓના દૃશ્યો હવે મોરબીમાં ચર્ચાનો વિષય બન્યા છે.
કાર્યક્રમમાં સ્કૂલ તેમજ GMERSના વિદ્યાર્થીઓને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. શરૂઆતમાં કાર્યક્રમ સ્થળે લોકોની હાજરી જોવા મળી હતી, પરંતુ કાર્યક્રમ આગળ વધતા બેઠક વ્યવસ્થામાં અનેક ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ ચાલી રહ્યું હતું તે દરમિયાન પણ કેટલાક લોકો કાર્યક્રમ સ્થળેથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. જેના કારણે ચાલુ કાર્યક્રમમાં જ મોટી સંખ્યામાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
આ દૃશ્યો બાદ સ્થાનિક સ્તરે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. કાર્યક્રમમાં લોકોની હાજરી જાળવી રાખવા માટે વિદ્યાર્થીઓની હાજરી પર ભાર મૂકાયો હતો કે કેમ અને સ્થાનિક કાર્યકરો તથા નાગરિકોની અપેક્ષિત હાજરી કેમ જોવા ન મળી તે અંગે પણ ચર્ચા થઈ રહી છે.
કાર્યક્રમના સ્થળે ‘નેતાઓ આવ્યા, પરંતુ કાર્યકરો ક્યાં?’ તેવો સવાલ પણ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે. જોકે કાર્યક્રમમાં હાજરી અંગે કોઈ સત્તાવાર આંકડો જાહેર થયો નથી.
એક તરફ સરકાર દ્વારા મોટા પાયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, તો બીજી તરફ ચાલુ કાર્યક્રમમાં ખાલી પડેલી ખુરશીઓના દૃશ્યો કેમેરામાં કેદ થતાં હવે આ જ દૃશ્યો મોરબીમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યા છે.
