Homeગુજરાતમોરબીમાં સાયબર ફ્રોડનું કરોડોનું નેટવર્ક ઝડપાયું! 7.26 કરોડના શંકાસ્પદ વ્યવહારો, 11 શખ્સો...

મોરબીમાં સાયબર ફ્રોડનું કરોડોનું નેટવર્ક ઝડપાયું! 7.26 કરોડના શંકાસ્પદ વ્યવહારો, 11 શખ્સો સામે ગુનો નોંધાતા ખળભળાટ

જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી બેંક ખાતાં ભાડે મેળવવાનો ખેલ, દેશનાં અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલી 41 સાયબર ફ્રોડની ફરિયાદો સાથે મોરબીનાં બેંક ખાતાંના તાર જોડાયા, UPIથી લઈને RTGS સુધી કરોડોની હેરાફેરીનો ખુલાસો.

મોરબીમાં સાયબર ગુનાખોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. સાયબર ઠગાઈના નાણાંની હેરાફેરી કરવા માટે મોરબીમાં બેંક ખાતાં ભાડે આપવાનો વ્યવસ્થિત ખેલ ચાલી રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સામાન્ય અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે અલગ-અલગ બેંકોમાં ખાતાં ખોલાવવામાં આવતાં અને ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થયેલી સાયબર ઠગાઈની રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હોવાનો આરોપ છે.

મોરબી સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં આ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા કુલ 11 શખ્સોનાં નામ સામે આવ્યાં છે. જેમાં ત્રણ મુખ્ય સૂત્રધારો તરીકે ચેતનભાઈ કિશોરભાઈ પલાણ, રાજુભાઈ જોષી ઉર્ફે રાજુ બાબુભાઈ જોષી અને ભરતભાઈ બારડ ઉર્ફે ભરત રાવળનાં નામ સામે આવ્યાં છે.

પોલીસ ફરિયાદ મુજબ, આ ત્રણેય શખ્સો અન્ય લોકોને એજન્ટ તરીકે ઉપયોગમાં લઈ જરૂરિયાતમંદ લોકોનાં બેંક ખાતાં મેળવતા હતા. ત્યારબાદ આ બેંક ખાતાં મારફતે સાયબર ફ્રોડના નાણાંની લેવડદેવડ કરવામાં આવતી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં કમિશન અને આર્થિક લાભની લાલચ આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે.

7 કરોડથી વધુના વ્યવહારો, તપાસમાં મોટો ખુલાસો

આ સમગ્ર પ્રકરણમાં સૌથી ચોંકાવનારી બાબત કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો છે. પોલીસ તપાસ દરમિયાન 1 જાન્યુઆરી 2023થી 27 ડિસેમ્બર 2025 સુધીના સમયગાળામાં અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.7,26,20,266ના શંકાસ્પદ વ્યવહારો થયાનું સામે આવ્યું છે.

એટલે કે અંદાજે 7 કરોડ 26 લાખ રૂપિયાથી વધુની રકમ બેંક ખાતાઓ મારફતે ફરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ રકમ સામાન્ય બેંક ટ્રાન્ઝેક્શનની જેમ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર થતી હતી. UPI ID, IMPS અને RTGS જેવી બેંકિંગ સુવિધાઓનો ઉપયોગ કરીને નાણાં અલગ-અલગ ખાતાઓમાં મોકલવામાં આવતાં અને ત્યારબાદ રોકડ ઉપાડીને રકમ સગેવગે કરવામાં આવતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

દેશનાં 41 સાયબર ફ્રોડ કેસ સાથે જોડાણ

આ કૌભાંડની ગંભીરતા ત્યારે વધી જાય છે જ્યારે તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ સાથે જોડાયેલા બેંક ખાતાઓ વિરુદ્ધ દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે.

SAMANVAYA અને NCCRP પોર્ટલ પર આવા બેંક ખાતાઓને લઈને કુલ 41 ફરિયાદો અને અરજીઓ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદો સાથે જોડાયેલી રકમ રૂ.1,34,53,796 હોવાનું પોલીસ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે.

અર્થાત્, મોરબીમાં બેઠેલા કેટલાક શખ્સો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા બેંક ખાતાઓનો ઉપયોગ દેશના અલગ-અલગ વિસ્તારોમાં થયેલી સાયબર ઠગાઈની રકમ મેળવવા અને આગળ ટ્રાન્સફર કરવા માટે થયો હોવાની આશંકા તપાસમાં સામે આવી છે.

અનેક બેંકોનાં ખાતાંનો ઉપયોગ

આ સમગ્ર નાણાકીય નેટવર્કમાં એક-બે નહીં પરંતુ અનેક બેંકોનાં ખાતાંના વ્યવહારો તપાસવામાં આવ્યા છે. પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, મહેસાણા અર્બન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, કેનેરા બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક, ફેડરલ બેંક અને YES બેંક સહિતની બેંકોનાં ખાતાંના વ્યવહારોનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

આટલી મોટી સંખ્યામાં બેંક ખાતાં અને કરોડો રૂપિયાના વ્યવહારો સામે આવતાં આ નેટવર્ક કેટલું વિસ્તરેલું હતું તે અંગે પણ સવાલો ઊભા થયા છે.

11 શખ્સો સામે ગુનો, પોલીસ તપાસનો ધમધમાટ

આ સમગ્ર પ્રકરણમાં ચેતનભાઈ કિશોરભાઈ પલાણ, રાજુભાઈ જોષી ઉર્ફે રાજુ બાબુભાઈ જોષી અને ભરતભાઈ બારડ ઉર્ફે ભરત રાવળ ઉપરાંત હિતેશ મોહનભાઈ પૈજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંતભાઈ દેવશીભાઈ વામજા, પ્રકાશભાઈ નર્મદાશંકરભાઈ જોષી, કિરણભાઈ કાંતિભાઈ પરમાર, કાંતિભાઈ તરશીભાઈ પરમાર, સુરેશભાઈ કાંતિભાઈ પરમાર અને અશ્વિનસિંહ દોલુભા ઝાલા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

હવે પોલીસ તપાસમાં આ નેટવર્કના અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, દેશનાં અલગ-અલગ રાજ્યોમાં થયેલી સાયબર ઠગાઈની રકમ મોરબીનાં ખાતાં સુધી કેવી રીતે પહોંચતી હતી, બેંક ખાતાં ઉપલબ્ધ કરાવનારા લોકો પાછળ અન્ય કોઈ મોટું નેટવર્ક કાર્યરત હતું કે કેમ અને આર્થિક વ્યવહારોનો અંતિમ લાભ કોને મળતો હતો તેવા અનેક સવાલોના જવાબ શોધવામાં આવશે.

મોરબીમાં બેંક ખાતાં ભાડે આપવાના ખેલ મારફતે કરોડોની શંકાસ્પદ નાણાકીય હેરાફેરીનો આ ખુલાસો સાયબર ગુનાખોરીની ગંભીરતા દર્શાવે છે. હવે સવાલ એ છે કે 11 શખ્સો સામે નોંધાયેલા આ ગુનાની તપાસમાં પોલીસ આ નેટવર્કના મૂળ સુધી પહોંચી શકશે? દેશભરમાં થયેલી 41 ફરિયાદો સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોનું સંપૂર્ણ રહસ્ય ક્યારે બહાર આવશે? તેના પર સૌની નજર રહેશે.

Advertisement
RELATED ARTICLES

Most Popular