મોરબી મહાનગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ રહી હતી. આ દરમિયાન એક એવો મુદ્દો સામે આવ્યો કે જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે. મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને શહેરના હોદ્દેદારોની હાજરી અને બેઠકને લઈને ચર્ચાઓ તેજ બની છે.
દેશના ગૃહપ્રધાન અમિત શાહે મોરબીના કમલમનું ઉદાહરણ દેશભરમાં આપવા જેવી વાત કરી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે જો પક્ષની બેઠક જ યોજવાની હતી તો પછી ભાજપના પોતાના કમલમ કાર્યાલયને બદલે મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો?
સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેટરોને જવાબદારીઓની ફાળવણી પહેલા કોઈ નારાજગી ન સર્જાય તે માટે સમજાવટની બેઠક યોજાઈ હોવાની ચર્ચા છે. જોકે આ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
બીજી તરફ મીડિયાએ જ્યારે આ મુદ્દે સવાલો પૂછ્યા ત્યારે શરૂઆતમાં મીડિયાને દૂર રાખવાના પ્રયાસો થયા હોવાના આક્ષેપો થયા. ત્યારબાદ મેયરે પહેલા સ્વીકાર્યું કે પાર્ટીની બેઠક હતી, પરંતુ બાદમાં પોતાના નિવેદનમાં ફેરફાર કરતાં સમગ્ર ઘટનાક્રમ વધુ ચર્ચાસ્પદ બન્યો.

હવે જનતાના સવાલો…
- મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભાના દિવસે ભાજપના જિલ્લા અને શહેરના હોદ્દેદારો કોન્ફરન્સ હોલમાં શું કરી રહ્યા હતા?
- પક્ષની બેઠક માટે મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલનો ઉપયોગ કયા નિયમો હેઠળ કરવામાં આવ્યો?
- ભાજપ પાસે પોતાનું કમલમ કાર્યાલય હોવા છતાં સરકારી કચેરીમાં બેઠક કેમ યોજાઈ?
- આ બેઠક માટે મહાનગરપાલિકાની સત્તાવાર મંજૂરી લેવામાં આવી હતી કે નહીં?
- શું સરકારી મિલકતનો ઉપયોગ પક્ષીય કાર્યક્રમ માટે થઈ શકે? જો થઈ શકે તો તેના નિયમો શું છે?
- સામાન્ય સભાના દિવસે જ આવી બેઠક યોજવાનું કારણ શું હતું?
- મેયરે પહેલા બેઠક સ્વીકારી અને બાદમાં નિવેદન બદલવાનું કારણ શું?
- જો આ માત્ર સામાન્ય મુલાકાત હતી તો કોન્ફરન્સ હોલમાં બંધ દરવાજા પાછળ ચર્ચાની જરૂર કેમ પડી?
- શું મહાનગરપાલિકાની કામગીરી અને પક્ષીય પ્રવૃત્તિઓ વચ્ચેની રેખા ધૂંધળી થઈ રહી છે?
- જનતાના પ્રશ્નોના સ્પષ્ટ અને દસ્તાવેજી જવાબ ક્યારે મળશે?
હવે આ સમગ્ર મામલે લોકોની નજર એ વાત પર છે કે મહાનગરપાલિકા તંત્ર અને ભાજપના હોદ્દેદારો આ સવાલોના સ્પષ્ટ જવાબ આપે છે કે પછી આ મુદ્દો માત્ર ચર્ચાનો વિષય બની રહે છે.
