Homeગુજરાત“મોરબી શિક્ષક સંઘમાં ફરી દિનેશભાઈ હૂંબલનો દબદબો, સતત બીજી વખત બિનહરીફ પ્રમુખ...

“મોરબી શિક્ષક સંઘમાં ફરી દિનેશભાઈ હૂંબલનો દબદબો, સતત બીજી વખત બિનહરીફ પ્રમુખ તરીકે વરણી”

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મહાસમિતિની સાધારણ સભા તા. 8 ઓગસ્ટ, 2026ના રોજ રાણેકપર પ્રાથમિક શાળા ખાતે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ હતી. પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં મહાસમિતિના 109 સભ્યો સહિત મોટી સંખ્યામાં શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
સભાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આવક-જાવકના હિસાબો તથા બેલેન્સ સહિતની વિગતો મહાસમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
આ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવા પ્રમુખની વરણી માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેમાં શિક્ષકોના હિત માટે સતત કાર્યરત અને શિક્ષકોના પ્રશ્નોને અસરકારક રીતે વાચા આપતા દિનેશભાઈ હૂંબલની સતત બીજી વખત પ્રમુખ તરીકે બિનહરીફ અને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
પ્રમુખ તરીકેની વરણી બાદ હોદ્દાની રૂએ દિનેશભાઈ હૂંબલ દ્વારા પ્રફુલભાઈ નાયકપરાની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી.
નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ હૂંબલે પોતાના ઉદબોધનમાં શિક્ષકોના વર્તમાન પ્રશ્નો અને સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી તેમજ આગામી સમયમાં શિક્ષકોના હિતમાં કરવામાં આવનાર કામગીરી અને સંઘના વિઝન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે મહાસમિતિના સભ્યો તથા શિક્ષકમિત્રો દ્વારા નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ હૂંબલ અને મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરાનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ બંને હોદ્દેદારોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ તકે ગત વર્ષ દરમિયાન મોરબી જિલ્લાના વિવિધ ઘટક સંઘોના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓનું પણ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
નવનિયુક્ત પ્રમુખ તથા મહામંત્રીએ મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી. દિનેશભાઈ હૂંબલની સતત બીજી વખત બિનહરીફ વરણીને લઈને મોરબી જિલ્લાના શિક્ષકમિત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular