Homeગુજરાત‘બધું પોતાનું કરી લીધું છે’! મૌન રેલી બાદ ભાજપના જ આગેવાનનો જિલ્લા...

‘બધું પોતાનું કરી લીધું છે’! મૌન રેલી બાદ ભાજપના જ આગેવાનનો જિલ્લા પ્રમુખ સામે કથિત આક્રોશ

મોરબી: મોરબી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ અને અસંતોષનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. મચ્છુ જળ હોનારતની વરસી નિમિત્તે યોજાયેલી મૌન રેલી બાદ મણીમંદિર ખાતે ભાજપના આગેવાનો વચ્ચે થયેલી કથિત બોલાચાલીને લઈને રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

મોરબી મહાનગરપાલિકા કચેરીથી મણીમંદિર સુધી મચ્છુ જળ હોનારતમાં દિવંગત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા મૌન રેલી યોજાઈ હતી. રેલી પૂર્ણ થયા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સામે ભાજપ સાથે સંકળાયેલા અને અગાઉ નગરપાલિકા સમયગાળા દરમિયાન હોદ્દો ધરાવતા એક જૂના કાર્યકરે જાહેરમાં આક્રોશ વ્યક્ત કર્યો હોવાની ચર્ચા સૂત્રો દ્વારા સામે આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સંબંધિત આગેવાન દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ સામે વિવિધ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ‘બધું પોતાનું કરી લીધું છે’ જેવા શબ્દો ઉચ્ચારાયા હોવાની પણ ચર્ચા છે. આ ઉપરાંત જાહેરમાં ઉગ્ર બોલાચાલી તથા અપશબ્દો બોલાયા હોવાની વાત પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. જોકે, સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ શું હતું અને બોલાચાલી પાછળનું મૂળ કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.

પાયાના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ

મોરબી જિલ્લા ભાજપમાં અગાઉથી જ જૂના અને પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાના આક્ષેપો સમયાંતરે સામે આવતા રહ્યા છે. જિલ્લા પ્રમુખ દ્વારા પોતાના નજીકના લોકોને ટીમમાં વધુ મહત્વ આપવામાં આવતું હોવાના આક્ષેપો પણ પક્ષના કેટલાક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે.

બીજી તરફ, ભાજપના વફાદાર અને વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા કાર્યકરોને પૂરતું મહત્વ મળતું નથી તેવી નારાજગી હોવાની પણ ચર્ચા છે. જેના કારણે સંગઠનની અંદર જૂથવાદ અને અસંતોષ વધુ ઘેરો બની રહ્યો હોવાના સવાલો ઊભા થયા છે.

નાણાકીય બાબતોને લઈને પણ અગાઉથી વિવાદોની ચર્ચા

જિલ્લા ભાજપ પ્રમુખ સાથે સંકળાયેલી વ્યક્તિગત નાણાકીય લેવડદેવડ અંગે પણ અગાઉથી વિવિધ આક્ષેપો અને ચર્ચાઓ સામે આવતી રહી હોવાનું રાજકીય વર્તુળોમાં કહેવાઈ રહ્યું છે. નાણાંની ઉઘરાણીના મુદ્દે મહિલાઓ જિલ્લા ભાજપ કાર્યાલય સુધી પહોંચી હોવાની તેમજ અગાઉ પણ આવા મુદ્દે વિવાદ સર્જાયો હોવાની ચર્ચા છે.

વારંવાર વિવાદ છતાં કાર્યવાહી કેમ નહીં?

હવે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે જો જિલ્લા ભાજપ પ્રમુખ સામે વારંવાર આ પ્રકારના આક્ષેપો અને વિવાદો સામે આવી રહ્યા હોય, તો પક્ષનું મોવડીમંડળ આ મામલે શું વલણ અપનાવશે?

પોતાને શિસ્તબદ્ધ પક્ષ ગણાવતા ભાજપમાં જો કોઈ પદાધિકારી સામે સતત ગંભીર આક્ષેપો અને આંતરિક અસંતોષની વાતો સામે આવે તો સંગઠન દ્વારા હકીકત તપાસવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ કાર્યકરોમાં ચર્ચા શરૂ થઈ છે.

‘બધું બરાબર છે’ના દાવા સામે ફરી સવાલ

મોરબી જિલ્લા ભાજપમાં અગાઉ પણ જૂના કાર્યકરો અને હાલના નેતૃત્વ વચ્ચે મતભેદો, જૂથવાદ તથા નારાજગીની ચર્ચાઓ સામે આવી ચૂકી છે. ત્યારે મચ્છુ જળ હોનારત જેવી સંવેદનશીલ ઘટનાની શ્રદ્ધાંજલિ રેલી બાદ જ ભાજપના એક જૂના આગેવાન દ્વારા જિલ્લા પ્રમુખ સામે કથિત રીતે જાહેરમાં આક્રોશ વ્યક્ત કરાયાની વાત સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે.

જો જાહેરમાં થયેલી બોલાચાલી, આક્ષેપો અને અપશબ્દોની ચર્ચામાં તથ્ય હશે, તો મોરબી જિલ્લા ભાજપની આંતરિક સ્થિતિ અંગે ફરી ગંભીર સવાલો ઉભા થઈ શકે છે.

હવે જોવાનું એ રહેશે કે પક્ષનું મોવડીમંડળ સમગ્ર મામલાની હકીકત જાણવા કોઈ તપાસ કે સંગઠનાત્મક કાર્યવાહી કરે છે કે નહીં. કારણ કે સમયસર આંતરિક અસંતોષનું નિરાકરણ નહીં આવે તો આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા નકારી શકાય નહીં.

RELATED ARTICLES

Most Popular