મોરબી: જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાના મકનસર ગામે વસવાટ કરતા પાકિસ્તાની શરણાર્થી પરિવારોની વહીવટી મુશ્કેલીઓના નિરાકરણ માટે સ્થળ પર જ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ શરણાર્થી પરિવારોની રજૂઆતો સાંભળી ભારતીય નાગરિકતા સહિત વિવિધ જરૂરી દસ્તાવેજો અને પ્રાથમિક સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો.
કેમ્પ દરમિયાન શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મેળવવા માટે પ્રમાણપત્રની અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અંગે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત એક્સપાયર થયેલા પાસપોર્ટ અને લોંગ-ટર્મ વિઝા (LTV) સંબંધિત પ્રશ્નો અંગે ચર્ચા કરી જરૂરી કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવા અંગે શરણાર્થી પરિવારોની રજૂઆતો લેવામાં આવી હતી. લગ્ન પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા તેમજ શરણાર્થી પરિવારોના બાળકોને સ્થાનિક શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ અપાવવા અંગે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.
કેમ્પમાં વિવિધ વહીવટી પ્રશ્નો અંગે શરણાર્થી પરિવારોની રજૂઆતો સાંભળી નિયમોનુસાર તેના સકારાત્મક નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર જ માર્ગદર્શન અને રજૂઆતોના નિરાકરણની પ્રક્રિયાથી શરણાર્થી પરિવારોને રાહત મળી હતી.
