Homeગુજરાતમોરબીમાં PM પોષણ યોજના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ ધરણાં-પ્રદર્શન

મોરબીમાં PM પોષણ યોજના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ ધરણાં-પ્રદર્શન

મોરબી જિલ્લામાં PM પોષણ શક્તિ નિર્માણ (મધ્યાહ્ન ભોજન) યોજના સાથે જોડાયેલા કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાં-પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન PM પોષણ શક્તિ નિર્માણ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘના આગેવાનો તથા જિલ્લાના સંચાલકો અને રસોઈયાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફતે રજૂઆત કરવામાં આવી હતી. સંઘનું કહેવું છે કે પોષણ યોજનાઓમાં કામ કરતા કર્મચારીઓ, જેમાં વિધવા અને ત્યક્તા મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તેમના અનેક પ્રશ્નો હજુ સુધી ઉકેલાયા નથી. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં શાળા કક્ષાએ કામ કરતા આશરે 28 હજાર કેન્દ્ર સંચાલકોની જગ્યાને અપગ્રેડ કરી તેમને “શાળા પોષણ સહાયક” તરીકે જાહેર કરવા અને લઘુતમ વેતન સહિતના લાભો આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓને મોંઘવારી અને જીવનનિર્વાહના માપદંડને ધ્યાનમાં રાખીને ₹30,000 માસિક વેતન આપવાની માંગ પણ કરવામાં આવી છે. ભોજન બનાવવાની કામગીરી દરમિયાન આગના જોખમને ધ્યાનમાં રાખીને જૂથ વીમા યોજના તથા અકસ્માતની ઘટનામાં અસરગ્રસ્ત પરિવારને ₹4 લાખની મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ સહાય આપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ 62 વર્ષની ઉપલી નિવૃત્તિ વય બાદ તબીબી પ્રમાણપત્રના આધારે માનદ સેવા ચાલુ રાખવાની મંજૂરી, રસોઈયા સહિતના કર્મચારીઓને સામાજિક સુરક્ષાનું કવચ અને દરેક શાળાના રસોડા/રસોઈ શેડ માટે હાઈજિનિક સ્વચ્છતા કીટ ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. સંઘે સરકાર સમક્ષ આશરે 96 હજાર કર્મચારીઓ અને યોજનાથી જોડાયેલા અંદાજે 40 લાખ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને માંગણીઓનો સત્વરે હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે.

RELATED ARTICLES

Most Popular