ભડિયાદ રોડની પેપર મિલમાં હત્યાથી ચકચાર; મોરબી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ભાણવડની સીમમાંથી ઝડપી પાડ્યો
મોરબી: મોરબીના ભડિયાદ રોડ પર આવેલી આધ્યાશક્તિ પેપર મિલમાં નાણાંની લેતી-દેતીના મુદ્દે થયેલી બબાલે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ મહિલાના માથામાં લોખંડના હથોડાના ઘા મારતા તેનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, તા. 17 ઓગસ્ટ 2026ના રોજ ભડિયાદ ગામના રફાડિયા રોડ પર આવેલી આધ્યાશક્તિ પેપર મિલના કારખાનામાં એટીબીના કૂવા પાસે હત્યાનો બનાવ બન્યો હતો. મૃતક મહિલાના પરિવારની એક મહિલાની ડિલિવરી બાબતે આપવામાં આવેલા રૂપિયાની લેતી-દેતીને લઈને આરોપી સાથે માથાકૂટ અને ઝઘડો થયો હતો.
ઝઘડો ઉગ્ર બનતા આરોપી ભુરાભાઈ બુધીયાભાઈ કટારા, મૂળ રહે. પાડલવા, કાચલા ફળિયું, તા. રાણપુર, જી. ઝાંબુવા (મધ્યપ્રદેશ)એ મહિલાના માથામાં લોખંડના હથોડા વડે ઘા માર્યા હતા. ગંભીર ઈજાઓના પગલે મહિલાનું મોત નીપજતાં સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો.
બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયા બાદ ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા સર્વેલન્સ સ્ટાફને તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી.
મોરબી તાલુકા પોલીસની ટીમે ટેકનિકલ માધ્યમો તેમજ હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી આરોપી સુધી પહોંચવા પ્રયાસો શરૂ કર્યા હતા. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી ભુરાભાઈ બુધીયાભાઈ કટારાને ચોંખડા ગામની સીમ, તા. ભાણવડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ જેલહવાલે કરવામાં આવ્યો છે અને સમગ્ર હત્યા પ્રકરણમાં પોલીસ દ્વારા આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
