જામનગર શહેરના ‘બી’ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એસ.ઓ.જી.ની ટીમે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને પાંચ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નાગરિકો કોઈપણ માન્ય પાસપોર્ટ કે વિઝા વગર ભારતીય સરહદ ઓળંગીને ગેરકાયદેસર રીતે જામનગરમાં વસવાટ કરી રહ્યા હતા.
એસ.ઓ.જી.ને મળેલી ચોક્કસ બાતમીના આધારે ‘બી’ ડિવિઝન પોલીસ મથકની હદમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 5 બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા, જેમાં 3 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસે તેમની પાસે વસવાટના આધારભૂત પુરાવા માંગ્યા, ત્યારે તેમની પાસે કોઈ કાયદેસરના દસ્તાવેજો મળી આવ્યા નહોતા.
હાલમાં પાંચેય બાંગ્લાદેશી નાગરિકોને ડીટેઈન કરવામાં આવ્યા છે. પોલીસ ઊંડી તપાસ કરી રહી છે
- તેઓ ભારતમાં કયા માર્ગે અને કોની મદદથી ઘૂસણખોરી કરી?
- જામનગરમાં તેઓ કેટલા સમયથી વસવાટ કરતા હતા?
- શું તેમની પાસે કોઈ સ્થાનિક સ્તરે બનાવટી દસ્તાવેજો (આધાર કાર્ડ વગેરે) છે?
- સ્થાનિક સ્તરે તેમને કોણે આશરો આપ્યો હતો?
પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કર્યા બાદ કાયદેસરનો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. જામનગરમાં આ પ્રકારે વિદેશી નાગરિકો ઝડપાતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે
