Monday, February 2, 2026
Homeગુજરાતસત્તા કાયમી નથી, યાદ રાખજો! મોરબીમાં ઉદ્યોગપતિઓને ખુલ્લી ચેતવણી

સત્તા કાયમી નથી, યાદ રાખજો! મોરબીમાં ઉદ્યોગપતિઓને ખુલ્લી ચેતવણી

મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ભેદભાવને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નાના હોદેદારોને પણ અતિશય મહત્વ આપવાની પ્રવૃત્તિ આવનારા સમયમાં ભારે પડી શકે તેવા સંકેતો બજાર અને રાજકીય વર્તુળોમાં જોવા મળી રહ્યા છે.

શહેરમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે ભાજપમાં કોઈ પણ પ્રકારનો હોદો મળતાં જ ઉદ્યોગપતિઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તેમના સન્માન અને સ્વાગતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ, અન્ય રાજકીય પક્ષોના મહત્વના હોદેદારોને એ જ સ્તરનું માન-સન્માન મળતું નથી, જે બાબતે હવે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત થવા લાગ્યો છે.

સામાજિક પ્રસંગમાં ખુલ્લી ચીમકી

થોડા સમય પહેલા એક સામાજિક કાર્યક્રમ દરમિયાન ભાજપ સિવાયની એક રાજકીય પાર્ટીના નેતાએ આ મુદ્દે આગેવાનોને ખુલ્લેઆમ ખખડાવી નાખ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે,
“સમય બદલતા વાર લાગતી નથી. આજે તમારો સમય છે, કાલે અમારો આવશે. ત્યારે તમે શું કરશો?”

આ નિવેદન બાદ શહેરના કેટલાક ઉદ્યોગપતિઓ અને સામાજિક સંસ્થાઓમાં ખળભળાટ મચી ગયો હતો. ઘણા આગેવાનોને લાગ્યું કે તેઓ જે રીતે એકતરફી વલણ અપનાવી રહ્યા છે, તે આવનારા સમયમાં તેમની સામે જ વળતી કાર્યવાહી બની શકે છે.

સત્તાપલટો થાય તો શું?

રાજકીય ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણ પક્ષ કે વ્યક્તિનો દબદબો કાયમી રહેતો નથી. સત્તા બદલાય ત્યારે વર્તન અને વલણની પણ કસોટી થાય છે.
આ સંદર્ભમાં મોટો સવાલ એ છે કે જો આવનારા સમયમાં સત્તાપલટો થાય, તો આજે એક પક્ષને વધાવનાર કહેવાતા આગેવાનો અને ઉદ્યોગપતિઓની સ્થિતિ શું થશે?

ઉદ્યોગપતિઓ અને સામાજિક સંસ્થાઓ સામે પ્રશ્નો

  • શું સામાજિક સંસ્થાઓએ રાજકીય તટસ્થતા જાળવવી જોઈએ નહીં?
  • શું ઉદ્યોગપતિઓ માત્ર સત્તાધારી પક્ષને ખુશ રાખવાની નીતિ અપનાવી રહ્યા છે?
  • “એકને ગોળ અને એકને ખોળ” જેવી નીતિ સમાજ માટે કેટલા ખતરનાક પરિણામ લાવી શકે?
  • શું આવું વર્તન ભવિષ્યમાં સામાજિક વિભાજન અને અસ્થિરતા વધારશે?

ભયંકર રૂપ લઈ શકે એવી નીતિ

વિશ્લેષકો માને છે કે એક પક્ષને અતિશય મહત્વ અને બીજા પક્ષની અવગણના કરવાની નીતિ લાંબા ગાળે ખૂબ ભયંકર સાબિત થઈ શકે છે. લોકશાહી વ્યવસ્થામાં સૌને સમાન માન આપવાની ભાવના જ સમાજને સ્થિર રાખી શકે છે.

હાલ મોરબીમાં ઉદ્યોગપતિઓ અને સામાજિક સંસ્થાઓ માટે આ સમય આત્મમંથન કરવાનો છે. કારણ કે રાજકારણ બદલાય છે, પરંતુ સમાજમાં વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા એક વખત ગુમાઈ જાય તો તેને પાછી મેળવવી સરળ નથી.

RELATED ARTICLES

Most Popular