કાયદાઓની અમલવારી અને જનતાની સુરક્ષા માટે જેમની ઉપર જવાબદારી સોંપવામાં આવી છે, એ જ પોલીસ કર્મચારી જો દારૂના નશામાં રસ્તા પર મોતનું તાંડવ સર્જે તો આ ઘટનાને સામાન્ય અકસ્માત કહીને દબાવી દેવી કેટલી યોગ્ય ગણાય?
ગત રાત્રે મોરબીના ધરમપુર રોડ ઉપર ઈમરજન્સી 112 પોલીસ વાન દ્વારા એક રિક્ષાને હડફેટે લેવામાં આવી હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર પાંચથી વધુ નિર્દોષ લોકોને ઈજાઓ પહોંચી હતી. તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે 112 વાન ચલાવતો પોલીસ કર્મચારી પીધેલી હાલતમાં હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
જો પ્રાથમિક રીતે સામે આવેલી માહિતી સાચી ઠરે અને વાસ્તવમાં ઈમરજન્સી વાહનનો ચાલક નશાની હાલતમાં હતો, તો આ ઘટના માત્ર અકસ્માત નહીં પરંતુ જાહેર જનતાના જીવ સાથે કરાયેલ ગંભીર બેદરકારી અને વિશ્વાસઘાત ગણાય.

દારૂબંધીની કડક અમલવારી કરાવતી મોરબી પોલીસનો જ કર્મચારી સાંજના સમયે દારૂનો નશો કરી ઈમરજન્સી વાહન લઈને રસ્તા પર ઉતરે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકે — તો આ ખાખી પર લાગેલો દાગ નથી તો શું?
આ ઘટનામાં વધુ શંકાસ્પદ બાબત એ છે કે સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે આક્રોશ સાથે એકત્રિત થાય એ પહેલા જ પોલીસ કર્મચારીને રાજકોટ ખસેડી દેવાયો. શું આ કાર્યવાહી ન્યાય માટે હતી કે પછી ઘટનાને દબાવવાનો પ્રયાસ?
આમ તો સામાન્ય નાગરિક દારૂના નશામાં અકસ્માત સર્જે તો તરત જ કાયદાની કડક કાર્યવાહી કરવામાં આવે છે. તો પછી પોલીસ કર્મચારી માટે અલગ માપદંડ કેમ?
ઈમરજન્સી 112 જેવી સેવા — જે જનતાની સલામતી માટે છે — તેનો જ ચાલક નશામાં અકસ્માત સર્જી ભાગવાની કોશિશ કરે અને સ્થાનિક લોકો તેને પકડી પાડે, તો આ દૃશ્ય સમગ્ર પોલીસ તંત્ર પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.
હવે સવાલ એ છે કે
👉 શું આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થશે?
👉 શું પોલીસ કર્મચારી સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થશે?
👉 કે પછી ફરી એકવાર ખાખીના ખભે જવાબદારીનો ભાર દબાઈ જશે?
જનતા જવાબ માંગે છે, અને આ ઘટનામાં ઉદાહરણરૂપ કાર્યવાહી નહીં થાય તો દારૂબંધી અને કાયદાના અમલના તમામ દાવાઓ ખોખલા સાબિત થશે.
