સુરેન્દ્રનગરની સબજેલમાં કેદી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યાનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. સબજેલમાં સજા કાપી રહેલા એક કેદીએ જેલની અંદર શેમ્પુ પી લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કેદીની તબિયત બગડતાં તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં સબજેલમાં આ બીજો આત્મહત્યાનો પ્રયાસ નોંધાયો છે, જેના કારણે જેલ વ્યવસ્થાની સુરક્ષા અને કેદીઓની માનસિક સ્થિતિ પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. સતત થઈ રહેલા આત્મહત્યાના પ્રયાસોથી જેલ પ્રશાસનમાં પણ હલચલ મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ ASP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સબજેલમાં દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. કેદીએ આ પગલું કેમ ભર્યું તેની તપાસ ચાલી રહી છે, તેમજ જેલમાં કેદીઓની દેખરેખ અને સુવિધાઓ અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર સબજેલમાં કેદીઓ દ્વારા વારંવાર આત્મહત્યાના પ્રયાસો થવા લાગતા આ મામલો ગંભીર બન્યો છે. જેલ પ્રશાસન દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું.
