ગુજરાત ભાજપ સંગઠનમાં લાંબા સમયથી ચર્ચાઈ રહેલી જિલ્લા પ્રમુખોની ફેરબદલીની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચતી હોવાના સંકેતો મળી રહ્યા છે. સૂત્રો મુજબ, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ નવનિયુક્ત પ્રમુખ દ્વારા આવનારા દિવસોમાં ગમે તે ઘડીએ અનેક જિલ્લા અને મહાનગરોના પ્રમુખોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ સમાચાર હવે ગુજરાતની સીમાઓ પાર કરી વિદેશ સુધી પહોંચ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે
ખાસ કરીને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને લઈને છેલ્લા ઘણા સમયથી આર્થિક મુદ્દાઓ અને આંતરિક અસંતોષના કારણે વિવાદો સપાટી પર આવ્યા છે. અગાઉ પણ આ બાબતે અનેક અહેવાલો સામે આવી ચૂક્યા છે અને ખુદ જિલ્લા પ્રમુખે મીડિયા સમક્ષ ખુલ્લેઆમ પોતાનો પક્ષ રજૂ કરીને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પક્ષને કોઈ પણ પ્રકારની સંગઠનાત્મક કે રાજકીય નુકસાની ન થાય તે માટે ઉચ્ચ નેતૃત્વ દ્વારા ત્યારે કવાયત હાથ ધરાઈ હતી.
પરંતુ હવે ફરી એકવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી સાથે સાથે સુરેન્દ્રનગર, નવસારી, બોટાદ, વડોદરા અને રાજકોટ જેવા મહત્વના જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખોને બદલવાની પ્રક્રિયા વધુ તેજ બની છે. અંદાજે પાંચથી વધુ જિલ્લા પ્રમુખોને બદલી નાખવાની તજવીજ હાલ ચાલી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આવનારી ચૂંટણી અને સંગઠન મજબૂત કરવાની દિશામાં ભાજપ હવે કોઈપણ પ્રકારના વિવાદાસ્પદ ચહેરાઓને આગળ રાખવા તૈયાર નથી. ખાસ કરીને જ્યાં આર્થિક, વહીવટી અથવા આંતરિક અસંતોષ જોવા મળ્યો છે ત્યાં નવા નેતૃત્વને તક આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ઉતરાયણના સમયગાળામાં “પતંગો સાથે રાજકીય કારકિર્દી પણ કપાઈ શકે” તેવી શક્યતાઓ અંગે જે અહેવાલો સામે આવ્યા હતા, તે હવે સાચા પડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સૂત્રો કહે છે કે ભાજપના જ કેટલાક ટોચના નેતાઓ આ દિશામાં લેવાઈ રહેલા નિર્ણયો સાથે સહમત હોવાનું પણ અંદરખાને ચર્ચાઈ રહ્યું છે.
હાલ તો સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે, પરંતુ મોરબી સહિત રાજ્યભરમાં ભાજપના સંગઠન પર આ ફેરબદલીની ચર્ચાએ રાજકીય તાપમાન ચોક્કસથી વધાર્યું છે. આવનારા દિવસોમાં આ બદલાવ ક્યારે અને કોના નામ સાથે જાહેર થાય છે, તે જોવું રસપ્રદ રહેશે.
