Monday, February 2, 2026
Homeગુજરાતજીવન–મરણ વચ્ચે માસૂમ, નિષ્ઠુર જનેતા ઓટો રીક્ષામાં ફરાર

જીવન–મરણ વચ્ચે માસૂમ, નિષ્ઠુર જનેતા ઓટો રીક્ષામાં ફરાર

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં માનવતા ને ઝંઝોડે એવી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જંગલ વિસ્તારમાં જન્મેલી માત્ર 20 દિવસની માસૂમ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી તેના જનેતા નિષ્ઠુર રીતે ફરાર થઈ ગયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બાળકીનો જન્મ પાલઘર જિલ્લાના જંગલ વિસ્તારમાં થયો હતો. જન્મ બાદ બાળકીના માથાના ભાગે જીવજંતુઓ કરડતા તેની તબિયત ગંભીર બની હતી. ત્યારબાદ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે પાલઘરથી વલસાડ ખસેડવામાં આવી હતી. વલસાડમાં પ્રાથમિક સારવાર બાદ વધુ ઉત્તમ સારવાર માટે તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી.

નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીની તબિયત અત્યંત નાજુક બનતા તબીબોએ તેને તાત્કાલિક NICU વોર્ડમાં દાખલ કરી. હાલ બાળકી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને તબીબોની ટીમ સતત દેખરેખ રાખી રહી છે.

આ દરમિયાન સારવારનો લાભ લઈ બાળકીના જનેતા હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં જનેતા ઓટો રીક્ષા મારફતે ભાગી છૂટતા નજરે પડે છે. આ ઘટના સામે આવતા હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

નવી સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા આ મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખટોદરા પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર જનેતાની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

એક તરફ નિર્દોષ માસૂમ બાળકી જીવન માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે બીજી તરફ તેના જનેતાની નિષ્ઠુરતા સમાજ સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ ઘટના માનવતા અને જવાબદારી અંગે વિચાર કરવા મજબૂર બનાવે તેવી છે.

RELATED ARTICLES

Most Popular