સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગકારો પર આવકવેરા વિભાગ (IT) દ્વારા હાથ ધરાયેલા દરોડાનો આજે ત્રીજો દિવસ છે. ઇન્વેસ્ટિગેશન વિંગે લાંબા સમય બાદ વિશાળ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં અંદાજે 5 હજાર કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહી હેઠળ સુરત સહિત મુંબઈમાં મળીને 30થી વધુ સ્થળે 110 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. લક્ષ્મી ડાયમંડ સાથે સંકળાયેલા ચુની ગજેરા, અશોક ગજેરા અને વસંત ગજેરા, બિલ્ડર અનિલ બગદાણા, તેમજ પ્રવીણ ભૂત, આશિષ અગ્રવાલ, તરુણ-કિશન ભગત સહિતના ઠેકાણાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત યુનિવર્સલ ગ્રુપ, જેણે સુરતમાં મિલેનિયમ માર્કેટનું બાંધકામ કર્યું છે, તેના ભાગીદારો કિશોર ગોવલિયા સહિત અન્ય લોકો પણ તપાસના દાયરામાં આવ્યા છે. મુંબઈમાં ગીરધર અને રાકેશના સ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યા છે, જે નજીકના સંબંધી હોવાનું કહેવાય છે.
મેહુલ ચોકસી સાથેની લિંક રડારમાં
આ સમગ્ર કેસમાં દેશ છોડીને ફરાર થયેલા મેહુલ ચોકસી સાથેના વ્યવહારો પણ તપાસ એજન્સીઓના રડારમાં આવ્યા છે. મેહુલ ચોકસીએ ભારત છોડતા પહેલાં જે રૂપિયા વિદેશ મોકલ્યા હતા, તેનો ઉપયોગ ગીતાંજલિ જેમ્સના શેર ખરીદવા માટે કરવામાં આવ્યો હોવાની શંકા છે. આ વ્યવહારો કોણે કર્યા તેની વિગતવાર તપાસ ચાલી રહી છે.
આ મુદ્દે સેબી (SEBI) દ્વારા પણ મેહુલ ચોકસી સામે ડિમાન્ડ નોટિસ બહાર પાડવામાં આવી છે. સાથે જ રાકેશ ગજેરાની ભૂમિકા અંગે પણ તપાસ તેજ બનાવાઈ છે. અધિકારીઓ રાકેશ ગજેરા અને મેહુલ ચોકસી વચ્ચેના નાણાકીય વ્યવહારો શોધી રહ્યા છે.
બ્લેક મની, હવાલા અને રિયલ એસ્ટેટ રોકાણની તપાસ
મિલેનિયમ માર્કેટના બાંધકામમાં બ્લેક મનીનો ઉપયોગ થયો છે કે કેમ, અને જો થયો હોય તો તે રૂપિયા કયા માર્ગે વિદેશ મોકલાયા, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ શાંતાબેન ટ્રસ્ટ અને શાંતિ રેસિડેન્સી પ્રોજેક્ટમાં રોકાયેલા રૂપિયાનું સોર્સ, રોકાણકર્તા અને નાણાંની આવક ક્યાંથી થઈ તેની પણ તપાસ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસ મુજબ મેહુલ ચોકસીએ ડાયમંડ કંપનીઓ મારફત રૂપિયા દુબઈ મોકલ્યા હતા અને ત્યારબાદ એ જ રૂપિયા સુરતમાં અલગ-અલગ પ્રોજેક્ટ અને કંપનીઓમાં ઇન્વેસ્ટ કરાયા હોવાની શંકા છે. આ કેસમાં વસંત ગજેરાના ભત્રીજા રાકેશ ગજેરાની ભૂમિકા છે કે કેમ તે જાણવા તપાસ ચાલુ છે.
આ સમગ્ર ઓપરેશન દરમિયાન હવાલા મારફત રૂપિયા વિદેશ મોકલાયા હોવાની, તેમજ ઇનસાઇડર ટ્રેડિંગ દ્વારા કરોડોના વ્યવહાર થયા હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને IT વિભાગે દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને નાણાકીય રેકોર્ડ્સની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
દરોડા હજુ ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
